- પોલીસે ચોરને પકડવા માટે 300 સીસીટીવી કૂટેજ તપાસ્યા,
- બંગલામાં લગાવેલા સીસીટીવી કૂટેજમાં ચોર દેખાયા જ નહી,
- તસ્કરોને વસ્ત્રાપુરમાં પણ ચોરી કરી હતી
અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં કમલા સોસાયટીના બંગલામાં થયેલી 14 લાખની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ચોરીના આ ગુનામાં 3 આરોપીઓની સંડોવણી સામે આવી છે. જેમાં એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં કમલા સોસાયટીમાં આવેલી એક બંગલામાં 14 લાખની ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. અને ચોરીનો ભેદ ઉકેલવા 300 જેટલા સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. જેમાં એક રિક્ષાના નંબરના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના નવરંગપુરાની કમલા સોસાયટીના બંગલામાં ગત ઓક્ટોબર માસમાં ચોરી થઈ હતી. જેની ફરિયાદ મળતા પોલીસે તપાસ શરૂ કરી. પોલીસે તપાસ કરતા બંગલામાં કોઈ સીસીટીવીમાં ચોર દેખાતા ન હતા. ત્યારબાદ પોલીસે 300 જેટલા સીસીટીવી તપાસતા એક સીસીટીવીમાં 3 શખ્સો માલસામાન સાથે જતા દેખાયા અને 1 કિલોમીટર દૂર રિક્ષામાં જતા દેખાયા હતા. રિક્ષાના નંબરના આધારે તપાસ કરતા આરોપીઓ પીપળજના હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોલીસને 3 લોકો શંકાસ્પદ હાલતમાં રિક્ષામાં બેઠા હોવાની બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતા આ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે 10 લાખ 99 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
શહેરના વસ્ત્રાપુરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આદિત્ય ફ્લેટમાં ચોરીનો બનાવ બન્યો હતો. મહિલાએ ઘરે ઓનલાઈન કંપનીમાંથી સાફસફાઈ માટે લોકો બોલાવ્યા હતા. જે કંપની પાસેથી ઘર સાફ કરવા લોકો બોલાવ્યા હતા. મહિલાની નજર ચૂકવીને વિશ્વાસ રાખી રૂમમાં ગયા અને રૂમમાં કબાટમાંથી ચાર લાખ જેટલી રકમના સોનાના દાગીના, બંગડીની ચોરી કરી હતી. જેમાં ત્રણેય આરોપી મૂળ રાજસ્થાનના છે. બપોરના સમયે જમવાનું કહીને મહિલાએ કબાટ ચેક કરતા સોનાના દાગીના ખોવાયેલ હતા. ત્રણ આરોપીઓમાંથી બે આરોપી પાછા ફરતા પોલીસ આરોપીની રાહ જોતી હતી અને આરોપીને પકડી પાડેલ હતા. અન્ય આરોપી અર્જુન પોતાની સગાઈ માટે વતન ગયેલ જ્યાંથી પોલીસે તેને પણ પકડી પાડેલ છે. તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.

