Site icon Revoi.in

વાવની બેઠક માટે કોંગ્રેસ ગુલાબસિંહને ટિકિટ આપે એવી શક્યતા

Social Share

અમદાવાદઃ બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત ચાલી રહી છે. ભાજપ અને કોંગ્રેસ માટે આ ચૂંટણી જંગ પ્રતિષ્ઠાભર્યો બની ગયો છે. આ પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 25મી ઓક્ટોબર છે. હાલ બન્ને પક્ષમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં કોંગ્રેસ વાવની બેઠક પર પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતને ટિકિટ આપે એવી શક્યતા છે. થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને સાંસદ ગેનીબેન ઠાકોર સાથેની મિત્રતા ફળી હોય તેમ લાગી રહ્યું છે.  કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતના નામની ગમે ત્યારે સત્તાવાર રીતે જાહેરાત થઇ શકે છે.  વાવ બેઠકની પેટા ચૂંટણી 13મી નવેમ્બરે યોજાશે અને 23મી નવેમ્બરે મતગણતરી થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં વાવની ચૂંટણી અંગે બેઠક યોજાઇ હતી. જેમાં ત્રણેય દાવેદાર ગુલાબસિંહ રાજપૂત , કે.પી ગઢવી અને ઠાકરશી રબારી અને વાવ બેઠકના પ્રભારી બળદેવજી ઠાકોર તેમજ જિલ્લા પ્રમુખ પણ ઉપસ્થિત હતા. ગુલાબસિંહ રાજપૂત 2019માં થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી શંકર ચૌધરી સામે તેમની હાર થઇ હતી. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત પાછળ ગુલાબસિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી. વાવ વિધાનસભાની બેઠક જીતવા માટે ભાજપએ પણ એડીચોટીનું જોર લગાવ્યું છે, હાલ ભાજપ દ્વારા પણ ઉમેદવારની પસંદગી માટે બેઠકનો દૌર ચાલી રહ્યો છે. કારણ કે ભાજપમાં ટિકિટ મેળવવા માટે 50 જેટલા દાવેદારો છે. દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરાવવાનો પ્રારંભ થયા જ અપક્ષ ઉમેદવારોના ફોર્મ ભરાવા લાગ્યા છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેનના કાકા ભુરાજી ઠાકોર ઘણાં સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા, પરંતુ તેમને ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. ભુરાજી ઠાકોર ગેનીબેનના ગઢમાં ગાબડું પાડશે તો તેનો સીધો ફાયદો ભાજપને થશે.

વાવની બેઠક પર કોંગ્રેસમાં ટિકિટવાંચ્છુઓમાં ગુલાબસિંહ રાજપૂત ઉપરાંત ઠાકરશી રબારી અને કે.પી.ગઢવી પણ દાવેદારોની રેસમાં આગળ હતા. ઠાકરશી રબારી માલધારી સમાજના અગ્રણી નેતા છે. છેલ્લાં 10 વર્ષમાં તેમણે ગ્રાઉન્ડ લેવલે ઘણી મહેનત કરીને મુખ્ય પ્રવાહના રાજકારણમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનની થયેલી જીતમાં ઠાકરશી રબારીનો પણ મોટો ફાળો હતો. 2017 અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ઠાકરશી રબારી ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે ખડેપગે રહ્યા હતા. ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરશી રબારી ઉપરાંત કે.પી. ગઢવી પણ દાવેદારોની યાદીમાં હતા. વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજના મતદારોનું પ્રભુત્વ છે. આ બે મોટા સમૂદાય જે બાજુ ઢળે એ બાજુ જીતનું પલડું નમે છે

 

Exit mobile version