ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ થી બચાવશે આ 5 દેશી પીણાં
હાલમાં ઉનાળો તેની ચરમસીમાએ છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં શરીરને હાઇડ્રેટ રાખવું અને લૂથી બચવું ખૂબ જ જરૂરી છે. બજારમાં મળતા સોફ્ટ ડ્રિંક્સને બદલે જો ભારતીય પરંપરાગત પીણાંનો ઉપયોગ કરવામાં આવે, તો તે સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જાળવી રાખે છે. અહીં એવા 5 ચટાકેદાર પીણાં છે જે તમને ઉનાળામાં તાજગી આપશે.
- આમ પન્ના
ઉનાળાનું સૌથી જૂનું અને લોકપ્રિય પીણું એટલે આમ પન્ના. શેકેલી અથવા બાફેલી કાચી કેરીના પલ્પમાં ફુદીનો, કાળા મરી અને સંચળ ભેળવીને ઠંડા પાણી સાથે પીવાથી અદભૂત સ્વાદ આવે છે. તે વિટામિન-સીનો ઉત્તમ સ્ત્રોત છે અને લૂ સામે રક્ષણ આપે છે.
-
સત્તુનું શરબત
બિહારનું આ પરંપરાગત પીણું હવે સમગ્ર ભારતમાં જાણીતું બન્યું છે. સત્તુને ઠંડા પાણીમાં ઓગાળી તેમાં લીલા મરચાં, ડુંગળી, કોથમીર, સંચળ અને શેકેલું જીરું ઉમેરવામાં આવે છે. આ પીણું પ્રોટીનથી ભરપૂર છે અને શરીરને અંદરથી ઠંડક આપે છે.
- કોકમ શરબત
જો તમને ખાટો-મીઠો સ્વાદ ગમતો હોય તો કોકમ શરબત શ્રેષ્ઠ છે. સૂકા કોકમને પાણીમાં પલાળી, તેને બ્લેન્ડ કરી ગાળી લેવામાં આવે છે. તેમાં શેકેલું જીરું, સંચળ અને થોડી સાકર ઉમેરીને પીવાથી પાચનતંત્ર સુધરે છે અને ઉનાળામાં તરસ છીપાવે છે.
- મસાલા છાશ
ભારતીય ભોજન છાશ વગર અધૂરું છે. પોષક તત્વોથી ભરપૂર છાશમાં જ્યારે સંચળ, શેકેલું જીરું અને ફુદીનો ઉમેરવામાં આવે ત્યારે તેના ફાયદા વધી જાય છે. તે ઉનાળામાં પાચનક્રિયાને દુરસ્ત રાખે છે અને તરત જ એનર્જી આપે છે.
- જલજીરા
ફુદીનો, જીરું, કોથમીર, લીલા મરચાં અને સંચળમાંથી તૈયાર થતું જલજીરા ઉનાળામાં ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. જોકે, નિષ્ણાતો સલાહ આપે છે કે બહારના ભેળસેળિયા જલજીરાને બદલે ઘરે શુદ્ધ પાણીમાં બનાવેલું જલજીરા જ પીવું જોઈએ.
- કેમ પીવા જોઈએ આ દેશી પીણાં?
હાઇડ્રેશન: શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે છે.
પાચન: મસાલાઓ હોવાથી ખોરાક પચવામાં મદદરૂપ થાય છે.
નેચરલ: આમાં કોઈ આર્ટિફિશિયલ કલર કે પ્રિઝર્વેટિવ્સ હોતા નથી.


