પગમાં દેખાતા આ 7 ફેરફારો હોઈ શકે છે લીવર ખરાબીના સંકેત
શરીરમાં કોઈપણ બીમારી રાતોરાત આવતી નથી, પરંતુ તે થતા પહેલા શરીર અનેક સંકેતો આપે છે. લીવરના સ્વાસ્થ્ય અને પગ વચ્ચે ઊંડો સંબંધ છે. જ્યારે લીવર યોગ્ય રીતે કામ નથી કરતું, ત્યારે શરીરમાં પ્રવાહી અને ઝેરી તત્વો જમા થવા લાગે છે, જેની અસર સૌથી પહેલા પગ પર દેખાય છે. જો સમયસર આ લક્ષણોને ઓળખી લેવામાં આવે, તો લીવર ફેઈલ્યોર જેવી ગંભીર સ્થિતિથી બચી શકાય છે.
-
આ લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ન કરો
પગમાં અચાનક સોજો આવવો: જો તમારા પગના તળિયા કે પંજામાં અચાનક સોજો દેખાય, તો તે લીવરની સમસ્યા હોઈ શકે છે. લીવર નબળું પડતા શરીરમાં ‘ફ્લુઈડ રિટન્શન’ થાય છે, જેના કારણે પ્રવાહી પગમાં જમા થતા સોજો આવે છે.
તળિયામાં અતિશય ખંજવાળ: લીવરની કામગીરી ખોરવાય ત્યારે શરીરમાં પિત્ત જમા થવા લાગે છે. આ પિત્તના ક્ષારો લોહીમાં ભળવાથી ત્વચામાં, ખાસ કરીને હથેળી અને પગના તળિયામાં સખત ખંજવાળ આવે છે.
પગનો રંગ બદલાવો: જો પગની ત્વચાનો રંગ પીળો અથવા અસામાન્ય રીતે ઘેરો દેખાવા લાગે, તો તે શરીરમાં બિલીરૂબિનનું પ્રમાણ વધવાનો સંકેત છે, જે કમળા કે લીવરની ગંભીર બીમારી સૂચવે છે.
નસોનું વધુ પડતું ઉભરવું: ક્યારેક પગની નસો વધુ પડતી ફૂલેલી કે ઉભરેલી દેખાય છે. જો તેની સાથે દુખાવો અને સોજો હોય, તો તે લીવરની નસોમાં વધતા દબાણને કારણે હોઈ શકે છે.
સતત દુખાવો કે ભારેપણું: જો કોઈ કારણ વગર પગમાં સતત દુખાવો, ભારેપણું કે થાક અનુભવાય, તો તે શરીરની અંદરની કોઈ ગરબડનો ઈશારો છે. લીવરની બીમારીમાં સ્નાયુઓમાં દુખાવો સામાન્ય છે.
પગમાં બળતરા થવી: ઘણા લોકોને પગના તળિયામાં ગરમી અથવા બળતરાનો અનુભવ થાય છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે, તો તે લીવર ટોક્સિન્સ સાફ ન કરી શકતું હોવાના કારણે હોઈ શકે છે.
ત્વચાનું અત્યંત શુષ્ક થવું: જો પગની ચામડી ખૂબ જ કોરી પડતી હોય અથવા ફાટવા લાગે, તો તે શરીરમાં પોષક તત્વોની ઉણપ અને લીવરની કામગીરીમાં ખામીનો સંકેત હોઈ શકે છે.
જો તમને તમારા પગમાં ઉપર મુજબના લક્ષણો વારંવાર દેખાતા હોય, તો તેને સામાન્ય માનીને ઘરેલું ઉપચારમાં સમય ન બગાડવો જોઈએ. લીવરની સ્થિતિ જાણવા માટે તુરંત જ નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરવો અને જરૂરી બ્લડ ટેસ્ટ તથા સોનોગ્રાફી કરાવવી હિતાવહ છે. સમયસર નિદાન લીવરને કાયમી નુકસાન થતું બચાવી શકે છે.


