1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં હજારો જગ્યાઓ ખાલી, શાળા સંચાલકો હવે હાઈકોર્ટના શરણે જશે
ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં હજારો જગ્યાઓ ખાલી, શાળા સંચાલકો હવે હાઈકોર્ટના શરણે જશે

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં હજારો જગ્યાઓ ખાલી, શાળા સંચાલકો હવે હાઈકોર્ટના શરણે જશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો, કર્મચારીઓ વગેરેની અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં ભરવામાં આવતી નથી. ઉપરાંત શિક્ષણ વિભાગના અધિકારીઓ ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવી રહ્યા છે. ત્યારે

શાળા સંચાલકોએ  ગુજરાત સરકાર સામે બાંયો ચઢાવી છે. શાળા સંચાલકોએ કહ્યું હતું કે, અમારા પડતર પ્રશ્નોનું ત્વરિત યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમે ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવીશું. બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી મામલે શાળા સંચાલક મંડળ હાઇકોર્ટના શરણે જશે. મહામંડળ દ્વારા સંચાલકો પાસેથી મંજૂરી પત્ર મંગાવવામાં આવ્યા છે. રાજ્યની શાળાઓમાં 800 ક્લાર્ક, 900 પટાવાળા, 3600 લાઈબ્રેરીયન, 3200 કમ્પ્યુટર શિક્ષક તેમજ ઉદ્યોગના શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. છતાં સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી.

શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારને વારંવાર લેખિતમાં રજુઆત કરી છે પરંતુ કોઈ ઉકેલ આવતો નથી. હવે આખરીવાર સરકારને વિનંતી કરીશું, જો ઉકેલ નહીં આવે તો હાઇકોર્ટના શરણે જઈશું.રાજ્યમાં 2000 આચાર્યો અને 10 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષ 2009 થી જાતે જ ભરતીઓ શરૂ કરી. છેલ્લે વર્ષ 2017માં આચાર્યોની ભરતી થયા બાદ જગ્યાઓ ભરવામાં આવી નથી. સરકારે આચાર્યોની ભરતી માટે HMATનું પરિણામ આપીને મેરીટ બનાવ્યું છે, પણ કાર્યવાહી અટકી પડી છે.

ગ્રાન્ટડ શાળાના સંચાલકોના કહેવા મુજબ  રાજ્યની 2000 ગ્રાન્ટેડ શાળાઓ પાસે પુરતો સ્ટાફ નથી, જેની અસર શાળાઓના પરિણામ પર થાય છે. જે શાળાના બોર્ડના પરિણામ નીચા છે, તેનો અભ્યાસ કરીએ એટલે ખબર પડે છે કે ત્યાં આચાર્ય નથી હોતા. બોર્ડનું પરિણામ નીચું આવે એટલે ગ્રાન્ટ પણ કપાય છે. સરકારે આચાર્યોની ભરતી તાત્કાલિક કરવી ખૂબ જરૂરી છે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની 10,000 જેટલી જગ્યાઓ ખાલી છે. પ્રવાસી શિક્ષકના નામે શિક્ષણ વિભાગે થિંગડું મારી આપ્યું છે, આવા શિક્ષકોની પરિણામલક્ષી કોઈ જવાબદારી રહેતી નથી. કાયમી શિક્ષક હોય તો એ વિદ્યાર્થી અને કામને વફાદાર રહે છે, જેનો લાભ બાળકોને અને શાળાને મળે છે. ગ્રાન્ટેડ શાળાઓની ખાલી જગ્યાઓ ભરાય તો પરિણામ સુધરે અને બાળકોને સારું શિક્ષણ મળી શકશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code