Site icon Revoi.in

ધ્રાંગધ્રા નજીક ફાર્મહાઉસમાં ઘૂંસીને ફાયરિંગ કરનારા ત્રણ આરોપીઓ પકડાયા

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ધ્રાંગધ્રા નજીક આવેલા એક ફાર્મમાં માથાભારે ગણાતા ત્રણ શખસોએ પૂર ઝડપે કાર ફાર્મ હાઉસના ગેટ સાથે અથડાવીને ફાર્મ હાઉસમાં ઘૂંસીને તેના માલિકને ધમકી આપીને ફાયરિંગ કરતા આજુબાજુના લોકો દોડી આવતા ત્રણેય શખસો નાસી ગયા હતા. આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ કોફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને પકડી લીધા હતા.

આ બનાવની વિગતો એવી છે કે,  ધાંગધ્રામાં સુરેન્દ્રનગર બાયપાસ પર આવેલા એક ફાર્મ હાઉસમાં ત્રણ શખ્સોએ ગેરકાયદે પ્રવેશ કરી ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી રાજદીપસિંહ ઝાલા અગાઉ પાસા હેઠળ પણ ગુનો નોંધાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  રાત્રિના સમયે ત્રણ શખ્સો કારમાં આવ્યા હતા. તેમણે ફાર્મ હાઉસના ગેટ સાથે કાર ભટકાડી અંદર પ્રવેશ કર્યો હતો. ફાર્મ હાઉસમાં રહેતા રાજાભાઈ ખોડાભાઈ ભરવાડ સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજાભાઈ ભાગવા લાગતા આરોપીઓએ હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના અવાજથી અન્ય લોકો દોડી આવતા આરોપીઓ કાર લઈને ભાગી ગયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ડીવાયએસપી જે.ડી. પુરોહિત અને પીઆઈ ડી.ડી.ચાવડાની ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. રાજાભાઈની ફરિયાદના આધારે રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, હરદીપસિહ લાખુભા ઝાલા અને એક અજાણ્યા શખ્સ સામે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.