અમદાવાદ, 24 એપ્રિલ 2026: Three killed as pickup truck hits bike જિલ્લાના નળસરોવર-વિરમગામ હાઈવે પર આજે વહેલી સવારે પીકઅપ વાન અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કમીજલા અને વનથળ ગામ વચ્ચે એક પીકઅપચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઈકસવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. જે હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
આ બનાવની વિગત એવી છે કે, નળ સરોવર-વિરમગામ હાઈવે પર આજે સવારે 8:00થી 8:30 વાગ્યા આસપાસ પીકઅપ વાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર ત્રણના મોત નિપજ્યા હતા. મૃતકો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકના રહેવાસી હતા. તે લખતરથી બાઈક પર વિરમગામ તરફ જઈ રહ્યા હતા. બાઈક અને બોલેરો પીકઅપ બંને એક જ દિશામાં જઈ રહ્યા હતા. આ દરમિયાન પીકઅપચાલકે ઓવરટેક કરવાની લ્હાયમાં બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 30 થી 35 વર્ષની ઉંમરના એક પુરુષ અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એક માસૂમ બાળકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું. આ ગોઝારો અકસ્માત સર્જ્યા બાદ પીકઅપ ચાલક માનવતા નેવે મૂકી પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. વિરમગામ પોલીસે અજાણ્યા પીકઅપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

