Site icon Revoi.in

અમદાવાદના રાયખડમાં પ્રતિબંધિત દવાના જથ્થા સાથે ત્રણ શખસોની ધરપકડ

Social Share

અમદાવાદ, 03 માર્ચ 2026: Three arrested with contraband drugs શહેરના રાયખડ વિસ્તારમાંથી ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ દવાના જથ્થા સાથે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે  ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે રૂ. 12 લાખની કિંમતની 3000 જેટલી ગોળીઓ જપ્ત કરી છે. આરોપીઓએ શહેરના ચાણક્યપુરી પાસે આવેલા બજરંગ મેડિકલ સ્ટોર ધરાવતા હાર્દિક ઠક્કર નામના વ્યક્તિ પાસેથી દવાઓનો જથ્થો લાવ્યા હોવાનું જણાવ્યું હતુ. નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા આ મામલે આરોપીઓ સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના પીએસઆઇ એમ.એન આદરેજીયાને બાતમી મળી હતી કે, શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતા ઇમરાન હુસેન ઉર્ફે ફેફડો શેખ નામનો વ્યક્તિ પ્રતિબંધિત અલ્પ્રાઝોલમ દવાનો જથ્થો લઈને રાયખડ વિસ્તારમાંથી પસાર થવાનો છે. જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસથી 800 મીટર દૂર આવેલા રાયખડ ચાર રસ્તા પાસે ટીમ ગોઠવાઈ ગઈ હતી. બાતમીવાળી રિક્ષામાં ઇમરાન હુસેન પસાર થતાની સાથે જ ટીમ દ્વારા રિક્ષાને રોકી અને તપાસ કરવામાં આવી હતી. રિક્ષામાં ઇમરાન હુસેન અને તેની સાથે રિક્ષાચાલક મઝરખાન પઠાણ અને મોહમ્મદ આસિફ બેઠા હતા. ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા રિક્ષામાં તપાસ કરવામાં આવી તો એક પ્લાસ્ટિકની થેલી હતી જેમાં અલગ અલગ સફેદ કલરના બોક્સ હતા. થેલી ખોલીને જોતા તેમાં નિયંત્રિત ડ્રગ્સ ગણાતા એવા અલ્પ્રાઝોલમની દવાઓનાં પેકેટ અને અલગ અલગ બોક્સ મળી આવ્યા હતા જેમાં દવાઓ રાખવામાં આવેલી હતી. બોક્સમાં ટેબલેટની 40 નંગ સ્ટ્રીપ્સ મળી આવી હતી જેમાં એકમાં 75 જેટલી દવાઓ હતી. કુલ 3000 જેટલી દવાઓનો જથ્થો હતો. જેની પ્રતિ દવા લેખે 400 રૂપિયા મુજબ 12,00,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

પોલીસે ગેરકાયદેસર દવાઓનો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ કરતા ઇમરાન હુસેને જણાવ્યું હતું કે, આ જથ્થો ચાણક્યપુરી પાસે બજરંગ મેડિકલ સ્ટોર ધરાવતા હાર્દિક ઠક્કર પાસેથી 5000 રૂપિયામાં ખરીદી કરીને લાવ્યો છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હાર્દિક ઠક્કર સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઇમરાન આ દવાનો જથ્થો કેવી રીતે વેચવાનો હતો અને અન્ય કોઈ વ્યક્તિને આપવાનો હતો કે કેમ તે અંગે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version