1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં ભર શિયાળે 37 તાલુકામાં કમોસમી વરસાદી ઝાપટાં, હવે ઠંડીનું જોર વધશે
રાજ્યમાં ભર શિયાળે 37 તાલુકામાં કમોસમી વરસાદી ઝાપટાં, હવે ઠંડીનું જોર વધશે

રાજ્યમાં ભર શિયાળે 37 તાલુકામાં કમોસમી વરસાદી ઝાપટાં, હવે ઠંડીનું જોર વધશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો છે. આજે 37 તાલુકામાં 17 MMથી લઈને 1 MM જેટલું માવઠું પડ્યું હતું. અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે દિવસ દરમિયાન આકાશ વાદળોથી ગોરંભાયેલુ રહ્યું હતું. દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર પણ વધવા લાગ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં 18થી 21 નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવનાઓ સેવાઇ હતી. ગઈકાલે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના પાટણ, પાલનપુર, મહેસાણા, ગાંધીનગર સહિત નડિયાદ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સાથે કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ પડ્યો હતો. તેમજ જિલ્લાના  વડનગર, વિસનગર, ઊંઝા  સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. માવઠાને લીધે  બહુચરાજી APMCમાં કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યુ હતું.  જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધીમાં ઉંઝામાં 12 મિમી, કડીમાં 12 મિમી, ખેરાલુમાં 2 મિમી, જોટાણામાં, 4 મિમી, બેચરાજીમાં 17 મિમી, મહેસાણામાં 13 મિમી, વડનગરમાં 5 મિમી, વિસનગરમાં 4 મીમિ અને સતલાસણામાં 7 મિમી કમોસમી વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત પાટણ સહિત સરસ્વતી, સમી હારીજ, રાધનપુર અને સાંતલપુર તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે ગુરુવારે વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિતત બન્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ થયુ હતું. જ્યારે કાંકરેજ તાલુકાના થરા અને દિયોદર પંથકમાં વહેલી પરોઢે વાદળછાયા વાતાવરણ બાદ અચાનક કમોસમી માવઠુ થયુ હતું. જ્યારે પાલનપુર અને ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદના કારણે મગફળી અને કપાસ પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને મોટુ નુકસાન થયું છે.

ગાંધીનગર જિલ્લામાં પણ ગઈકાલથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે સવારે કલોલ, માણસા, ચીલોડા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદનું માવઠું થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ત્યારે કલોલ તાલુકામાં સવારે 6થી 8 કલાક દરમિયાન 2 મિમી વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. ખેડા જિલ્લામાં અમૂક સ્થળે કમોસમી માવઠું થયુ છે.

સૌરાષ્ટ્રમાં સોરઠ પંથકમાં  જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ ધાબળીયુ વાતાવરણ અમુક તાલુકામાં છવાયુ હતુ. જેમાં મોડીરાત્રીના થતા આજે વહેલીસવારના સમયે જૂનાગઢ, મેંદરડા અને તાલાલા ગીર તાલુકાના અને ગામોમાં કમોસમી વરસાદનું માવઠું વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કમોસમી વરસાદ વરસવાના એંધાણના પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી જન્મી છે.

આ ઉપરાંત કચ્છમાં મોડી રાતથી સવાર સુધી કમોસમી વરસાદ પડ્યો વાગડના રાપર વિસ્તારમાં વ્યાપક કમોસમી વરસાદ મોડી રાતથી આજ સવાર સુધી ઝાપટા સ્વરૂપે પડ્યો હતો. રાપરના ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા અને અનેક ખેતરોમાં પાણી પણ ભરાઈ જવા પામ્યા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code