TMCના વરિષ્ઠ સાંસદ સુખેન્દુ શેખર રોયનું રાજીનામું, મમતા સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ
કોલકાતા, 8 જૂન 2026: પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે પક્ષના તમામ હોદ્દા અને રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દેતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. તાજેતરમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના પરાજય બાદ સુખેન્દુ શેખર રોયે પક્ષના નેતૃત્વ સામે ખુલ્લો મોરચો માંડ્યો છે અને બંગાળના શાસનને ‘અરાજકતા’ ગણાવ્યું છે. રાજીનામું આપતી વખતે તેમણે પક્ષના મોવડીમંડળ પર આકરા પ્રહારો કર્યા હતા અને પરાજય માટે મમતા બેનર્જીના 15 વર્ષના કથિત અરાજક શાસનને જવાબદાર ઠેરવ્યું છે.
પોતાના રાજીનામા પત્રમાં સુખેન્દુ શેખર રોયે આકરા શબ્દોનો પ્રયોગ કરતા જણાવ્યું છે કે, રાજ્યની જનતાએ આ વખતે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ અને ભારે જનાદેશ આપીને ટીએમસીના 15 વર્ષના શાસનને ખતમ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે જનતા શાસનથી કંટાળી ચૂકી હતી અને પરિવર્તન ઈચ્છતી હતી. સાંસદ પદેથી રાજીનામું આપનારા સુખેન્દુ શેખર રોયે તૃણમૂલ કોંગ્રેસ સરકારની નિષ્ફળતાઓ ગણાવતા ગંભીર આરોપો લગાવ્યા હતા કે ટીએમસીના શાસન દરમિયાન રાજ્યમાં વ્યાપક સ્તરે ભ્રષ્ટાચાર ફેલાયો હતો.
મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ સતત વધતી રહી હતી. આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી ગઈ હતી. નવા ઉદ્યોગોના અભાવે યુવાનો માટે રોજગારીની તકો નહિવત બની ગઈ હતી. કાનૂન-વ્યવસ્થાની સ્થિતિ અત્યંત દયનીય સ્તરે પહોંચી ગઈ હતી. રાજકીય વિશ્લેષકોના મતે, સુખેન્દુ શેખર રોય જેવા કદાવર અને અનુભવી નેતાનું ચૂંટણી પરિણામો બાદ પક્ષ છોડવું એ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ માટે બહુ મોટો આંચકો છે. આ રાજીનામા બાદ બંગાળના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા ઉલટફેર થવાના સંકેતો મળી રહ્યા છે.


