1. Home
  2. ગુજરાતી
  3. વિપક્ષી એકતામાં ભંગાણના સંકેત: ઈન્ડી ગઠબંધનની બેઠકમાંથી DMK-AAP ગાયબ
વિપક્ષી એકતામાં ભંગાણના સંકેત: ઈન્ડી ગઠબંધનની બેઠકમાંથી DMK-AAP ગાયબ

વિપક્ષી એકતામાં ભંગાણના સંકેત: ઈન્ડી ગઠબંધનની બેઠકમાંથી DMK-AAP ગાયબ

0
Social Share

નવી દિલ્હી, 8 જૂન 2026: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ દેશના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં સોમવારે યોજાયેલી વિપક્ષી ગઠબંધન બ્લોકની મહત્વની બેઠકમાં બે મોટા પ્રાદેશિક પક્ષો – તમિલનાડુની શાસક પક્ષ ડીએમકે અને આમ આદમી પાર્ટી સામેલ ન થતાં વિપક્ષી એકતા પર સવાલો ઊભા થયા છે. આ ગેરહાજરીને લઈને કોંગ્રેસે બંને પક્ષો પર આકરા પ્રહારો કર્યા છે અને ગંભીર રાજકીય આક્ષેપો લગાવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઉદિત રાજે આ મામલે પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કહ્યું છે કે, ગઠબંધનથી અલગ થવાથી ડીએમકે પોતે જ નબળી પડશે.

કોંગ્રેસ નેતા ઉદિત રાજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “બેઠકમાં સામેલ ન થવાથી તેઓ નબળા પડશે અને અમે ડીએમકેને નબળી જોવા નથી માંગતા. જો તેઓ ઇન્ડિ એલાયન્સનો હિસ્સો નહીં બને તો બે જ સ્થિતિ ઊભી થઈ શકે છે; કાં તો તેઓ તટસ્થ રહે અથવા તેઓ ભાજપને સમર્થન આપે. વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં તટસ્થ રહેવું એ એક પ્રકારે ભાજપને પરોક્ષ ટેકો આપવા બરાબર જ છે, કારણ કે તેનાથી ઇન્ડિ એલાયન્સ નબળું પડશે.” તેમણે ઉમેર્યું કે વૈચારિક રીતે ડીએમકે અને ભાજપ વચ્ચે કોઈ સમાનતા નથી.

કોંગ્રેસ નેતાએ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની પાર્ટીને યાદ અપાવતા કહ્યું કે, “અમે હજુ પણ માનીએ છીએ કે જો તેઓ દેશમાં બંધારણ અને અનામત પ્રણાલીને બચાવવા માંગતા હોય તો તેમણે ગઠબંધનનો હિસ્સો બનવું જ જોઈએ. અનામત એ સામાજિક ન્યાયનો એક અત્યંત મહત્વનો મુદ્દો છે અને તમિલનાડુમાં ડીએમકેની સ્થાપના જ સામાજિક ન્યાયના સિદ્ધાંતો પર થઈ હતી.”

  • કેજરિવાલે કોંગ્રેસ સામે મોરચો ખોલ્યો

ડીએમકે ઉપરાંત બેઠકથી અંતર જાળવી રાખનારી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પર પણ કોંગ્રેસે મોટો રાજકીય બોમ્બ ફોડ્યો છે. ઉદિત રાજે ‘આપ’ પર નિશાન સાધતા કહ્યું કે, “જ્યાં સુધી આમ આદમી પાર્ટીનો સવાલ છે, તે હાલમાં આંતરિક વિરોધાભાસ અને વિખવાદોથી ઝઝૂમી રહી છે. પંજાબથી આવી રહેલા અહેવાલો આ વાતની સાક્ષી પૂરે છે. મોડું-વહેલું, જો આ પાર્ટી વધારે નબળી પડશે તો સંભવતઃ તેનું અસ્તિત્વ બચાવવા માટે તે ભાજપ માં વિલય થઈ જશે.” રાજકીય વિશ્લેષકોના મતે, નવી સરકારની રચના અને સંસદના આગામી સત્ર પહેલા ‘ઇન્ડિયા’ ગઠબંધનના મુખ્ય સાથી પક્ષોની આ નારાજગી અને ગેરહાજરી આગામી દિવસોમાં વિપક્ષી મોરચા માટે મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code