Homeગુજરાતીમધ્ય પૂર્વના સંઘર્ષમાં અત્યાર સુધી 16 ભારતીયોના મોત: સંસદમાં સરકારે રજૂ કર્યા...

મધ્ય પૂર્વના સંઘર્ષમાં અત્યાર સુધી 16 ભારતીયોના મોત: સંસદમાં સરકારે રજૂ કર્યા સત્તાવાર આંકડા

નવી દિલ્હી, 31 જુલાઈ 2026: વર્ષ 2026માં મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ફાટી નીકળેલા તણાવપૂર્ણ અને હિંસક સંઘર્ષની જ્વલંત અસરો વિદેશમાં વસતા ભારતીયો પર પણ ગંભીરપણે વર્તાઈ રહી છે. સંસદમાં સરકારે સત્તાવાર આંકડા જાહેર કરતા જણાવ્યું છે કે આ સંઘર્ષની ઝપેટમાં આવીને અત્યાર સુધીમાં 10 નાવિકો સહિત કુલ 16 ભારતીય નાગરિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે.

રાજ્યસભામાં માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદ જોન બ્રિટાસ દ્વારા પૂછવામાં આવેલા એક તારાંકિત સવાલના લેખિત જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે આ વિગતો રજૂ કરી હતી. સંસદમાં મંત્રાલય સમક્ષ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે મૃત્યુ પામેલા, ઘાયલ થયેલા, ફસાયેલા અથવા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા ભારતીય નાવિકો અને નાગરિકોની સચોટ સંખ્યા વિશે પૂછપરછ કરવામાં આવી હતી.

વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે ગૃહમાં વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, “વર્ષ 2026માં મધ્ય પૂર્વમાં સંઘર્ષની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં 10 નાવિકો સહિત કુલ 16 ભારતીય નાગરિકોના દુઃખદ અવસાન થયા છે.” મૃત્યુ પામેલા નાગરિકોની દેશવાર વિગતો આપતા તેમણે જણાવ્યું કે, સાઉદી અરેબિયામાં એક, કુવેતમાં 2, ઓમાનમાં 8, ઈરાકમાં એક અને યુએઈમાં ચાર ભારતીય નાગરિતના મૃત્યુ થયાં છે.

આ ઉપરાંત, આ સંઘર્ષ દરમિયાન વિવિધ દુર્ઘટનાઓમાં કુલ 75 ભારતીયો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે, જેમાં UAE માં 32, ઓમાનમાં 24, કુવેતમાં 13, કતરમાં 4, સાઉદી અરેબિયામાં 1 અને ઇઝરાયેલમાં 1 ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. મંત્રીએ એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધ ક્ષેત્રના હુમલાઓથી અલગ એક અન્ય દુર્ઘટનામાં કતર ખાતે આવેલા પ્રખ્યાત ‘રાસ લાફાન ગેસ પ્લાન્ટ’ માં થયેલા અકસ્માતમાં વધુ 12 ભારતીય નાગરિકોના પણ મોત નીપજ્યા હતા.

  • સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને પૂર્ણ સહાય અને કલ્યાણકારી પગલાં

વિદેશ મંત્રાલયે સંસદમાં જણાવ્યું હતું કે ભારત સરકાર સંબંધિત યજમાન દેશોની સરકારોના સતત સંપર્કમાં છે. સંઘર્ષમાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકોના પાર્થિવ દેહને (શરીરને) વહેલી તકે સન્માનપૂર્વક ભારત પાછા લાવવા માટે મંત્રાલય દ્વારા મૃતકોના પરિવારજનોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી છે. સાથે જ, આ સંઘર્ષમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ ભારતીય નાગરિકોને સ્થાનિક ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ઉત્તમ તબીબી સારવાર અપાઈ રહી છે. વિદેશ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે ભારતીય દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસો દ્વારા સ્થાનિક પ્રશાસન અને હોસ્પિટલના તંત્ર સાથે સતત સંકલન સાધીને ઘાયલોની તબિયતના ખબર-અંતર પૂછવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, પીડિત પરિવારો સાથે સંપર્ક સાધવો, મુસાફરી માટે ઉપલબ્ધ તમામ વિકલ્પોની જાણકારી આપવી અને તેમની સુરક્ષિત વતન વાપસી સુનિશ્ચિત કરવા માટે મંત્રાલયનું તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.

  • આર્થિક સહાય અને વળતર અંગેની જોગવાઈ

યુદ્ધ ક્ષેત્રની ઘટનાઓ અને આકસ્મિક દુર્ઘટનાઓથી પ્રભાવિત થનાર નાગરિકો અને નાવિકો માટે સરકાર દ્વારા ખાસ આર્થિક સહાયની જોગવાઈ કરવામાં આવી છે. આ સંદર્ભે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે, ડીજીએમએ વેલફેર સ્કીમના નિયમો અંતર્ગત યુદ્ધ ક્ષેત્રની ઘટનાઓ સાથે સંકળાયેલા તમામ કેસોમાં પીડિતોના પરિવારને 10 લાખ રૂપિયાનું આર્થિક સહાય આપવામાં આવે છે. જરૂરી વહીવટી તપાસ અને સંબંધિત દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થયા બાદ, સરકાર દ્વારા પ્રભાવિત નાવિકોના નજીકના વારસદારોને આ સહાયની રકમ ત્વરિત ધોરણે જારી કરવામાં આવે છે.

  • ઈરાનમાં વસવાટ કરતા ભારતીયોની સ્થિતિ

વર્તમાન તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ઇરાનમાં રહેતા ભારતીયો અંગે પણ આંકડા આપ્યા છે. મંત્રાલયના અંદાજ મુજબ હાલ ઇરાનમાં આશરે 7000 જેટલા ભારતીય નાગરિકો વસવાટ કરી રહ્યા છે. જેમાં ધાર્મિક શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, મેડિકલના વિદ્યાર્થીઓ, વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કામદારો, દરિયાઈ ક્ષેત્ર સાથે જોડાયેલા મેરિટાઇમ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં માછીમારોનો સમાવેશ થાય છે. ભારત સરકાર આ તમામ નાગરિકોની સુરક્ષા પર ઊંડી નજર રાખી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular