1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓની ભીડ વધીઃ ડોમેસ્ટીક પ્રવાસીઓનો 50 ટકાનો વધારો
અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓની ભીડ વધીઃ ડોમેસ્ટીક પ્રવાસીઓનો 50 ટકાનો વધારો

અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓની ભીડ વધીઃ ડોમેસ્ટીક પ્રવાસીઓનો 50 ટકાનો વધારો

0
Social Share

અમદાવાદઃ  કોરોનાનો બીજો કાળ લગભગ પૂર્ણ થઈ ગયો છે. અમદાવાદ જેવા મેગાસિટીમાં હવે રોજના માત્ર કોરોનાના બે કેસ જ નોંધાય રહ્યા છે. જનજીવન પણ રાબેતા મુજબનું બની જતા જાહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની ગઈ છે. અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટ પર હવે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.  ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવર જૂનમાં 2.23 લાખ અને જુલાઇમાં 3.32 લાખ નોંધાઇ હતી. એક મહિનામાં ડોમેસ્ટિક મુસાફરોમાં 50 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

અમદાવાદ એરપોર્ટમાં જુલાઇ મહિના દરમિયાન કુલ 3364 ફ્લાઇટમાં 3 લાખ 32 હજાર 887 મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ, પ્રત્યેક ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યા સરેરાશ 98 થી વધારે હતી. જેની સરખામણીએ કોરોનાની બીજી લહેર દરમિયાન મે મહિનામાં પ્રત્યેક ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યા માત્ર 73 હતી. જેના ઉપરથી જ એરટ્રાફિક હવે પૂર્વવત્ થયાનો તાગ મેળવી શકાય છે.  અમદાવાદ એરપોર્ટમાં જૂન મહિનામાં દરરોજ સરેરાશ 7461 મુસાફરોની અવર-જવર હતી.

હવે જુલાઇમાં તે વધીને 10 હજાર 738 થઇ ગઇ છે. એપ્રિલ-મે દરમિયાન કોરોનાના કેસમાં વધારાને પગલે તેમજ અનેક રાજ્યો દ્વારા અન્ય રાજ્યથી આવનારા માટે RTPCR ટેસ્ટ પણ ફરજીયાત કરવામાં આવ્યો હતો. જેના પગલે મુસાફરોની સંખ્યામાં ખૂબ જ ઘટાડો નોંધાયો હતો. એ વખતે સ્થિતિ એવી પણ સર્જાઇ કે પૂરતા મુસાફરો નહીં મળવાથી ફ્લાઇટને કેન્સલ કરવી પડતી હતી. પરંતુ હવે સ્થિતિ થાળે પડી ગઇ છે. ઓગસ્ટ મહિનામાં અનેક રજાઓ પણ આવતી હોવાથી અમદાવાદ એરપોર્ટમાં મુસાફરોની અવર-જવરનો આંક 5 લાખ સુધી પહોંચે તેવી સંભાવના છે.

અમદાવાદ એરપોર્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવર-જવરમાં પણ વધારો નોંધાયો છે. મે મહિનામાં 215 ફ્લાઇટમાં 7442, જૂનમાં 212 ફ્લાઇટમાં 9288 અને જુલાઇમાં 260 ફ્લાઇટમાં 12 હજાર 543 આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવર-જવર હતી. આમ, જુલાઇમાં અમદાવાદ એરપોર્ટમાં પ્રત્યેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં 48થી વધુ મુસાફરો નોંધાયા હતા.જુલાઇ મહિનામાં દિલ્હી એરપોર્ટથી સૌથી વધુ 20.29 લાખ, મુંબઇ એરપોર્ટમાં 10.05 લાખ, કોલકાતામાં 5.74 લાખ, ચેન્નાઇમાં 4.46 લાખ સાથે સૌથી વધુ મુસાફરોની અવર-જવર હતી.

એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ દ્વારા સાઉથ એશિયા રિજિયનમાં છેલ્લા ક્વાર્ટરમાં કરાયેલા સરવેની એરપોર્ટ સર્વિસ ક્વોલિટી કેટેગરીમાં અમદાવાદ એરપોર્ટ હવે સાતમા ક્રમાંકેથી ચોથા ક્રમાંકે આવી ગયું છે. સાઉથ એશિયા રિજિયનના જુદા જુદા એરપોર્ટનો ACI દ્વારા 33 પેરામિટર્સનો અભ્યાસ કર્યા બાદ આ રેટિંગ આપ્યું હોવાનું એરપોર્ટના ઉચ્ચ સ્તરિય સુત્રોએ જણાવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code