Site icon Revoi.in

જામનગરમાં દૂષિત પાણીના પ્રશ્ને મહિલાઓએ ચક્કાજામ કરતા થયો ટ્રાફિકજામ

Social Share

જામનગરઃ શહેરના સત્યમ કોલોની, શિવમ સોસાયટી વિસ્તારમાં પીવાના પાણી સાથે ગટરનું મિશ્રિત પાણી આવતુ હોવાથી અને આ અંગે રજુઆતો કરવા છતાંયે કોઈ નિરાકરણ ન કરાતા સ્થાનિક મહિલાઓએ ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો હતો. ચક્કાજામ કરતા ટ્રાફિકજામ થતાં પોલીસ અને સ્થાનિક કોર્પોરેટરો દોડી આવ્યા હતા. અને આ સમસ્યાનું ત્વરિત નિરાકરણ કરવાની ખાતરી આપતા લડતનો અંત આવ્યો હતો.

શહેરના વોર્ડ નંબર 7માં સત્યમ કોલોની, શિવમ સોસાયટી વિસ્તારમાં  છેલ્લા ઘણા સમયથી રહેવાસીઓને પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થઈ આવતા હોવાથી બાળકો યુવાનો અને વડીલોને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. આ વિસ્તારની મહિલાઓએ રસ્તા લોકો આંદોલન કરીને તંત્રને કુંભકરણની ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો. ચક્કાજામને લીધે રસ્તો બંધ થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક કોર્પોરેટર પણ સ્થળ પર દોડી આવ્યા હતા. મહિલાઓએ પીવાના પાણીમાં ગટરનું પાણી ભળવાની ગંભીર સમસ્યા અંગે રોષ વ્યક્ત કર્યો હતો.

આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા અનેકવાર મહાનગર પાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં સમાધાન નહીં મળતા મહિલાઓએ સત્યમ કોલોની નજીક રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો. આથી થોડા સમય માટે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી.  કોર્પોરેટરે સમસ્યાના નિવારણની ખાતરી આપ્યા બાદ મહિલાઓએ ચક્કાજામ સમેટી લીધો હતો અને રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશોએ જણાવ્યું કે, જો આગામી દિવસોમાં સમસ્યાનું સમાધાન નહીં આવે તો ફરી આંદોલન કરવામાં આવશે.