અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026: શહેરના સાબરમતી નદીના કિનારે આવેલો આધુનિક રિવરફ્રન્ટ એક અલગ જ ઊર્જાથી ધબકી ઉઠ્યો હતો, જ્યાં કોંક્રીટના જંગલની વચ્ચે, પ્રકૃતિના ખોળે ઉછરેલી આદિવાસી સંસ્કૃતિ અને કલાનો એક અનોખો સંગમ સર્જાયો હતો.
તાજેતરમાં આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી (GTRTS) દ્વારા વલ્લભ સદન, રિવરફ્રન્ટ ખાતે તા. ૨૮ જાન્યુઆરીથી ૦૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી સાત દિવસીય ‘પરંપરાગત આદિવાસી હસ્તકલા, આહાર અને વનૌષધિય મેળા’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અહી માત્ર વસ્તુઓનું વેચાણ જ નહીં, પરંતુ એક સશક્ત આદિવાસી સમાજની ગાથા રજૂ કરવામાં આવી હતી. આદિજાતિ મંત્રી નરેશ પટેલના હસ્તે ખુલ્લા મુકાયેલા આ મેળાએ શહેરીજનોને સીધા જ આદિવાસી લોકજીવન સાથે જોડી દીધા હતા.
ડાંગના ગાઢ જંગલો હોય કે સાપુતારાના ડુંગરો રાજ્યના ૧૩ જેટલા જિલ્લાઓમાંથી આવેલા કલાકારો માટે આ મેળો આજીવિકાનું કેન્દ્ર બન્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ મેળામાં ૪૨ આદિવાસી હસ્તકલાકૃતિ, ૧૭ વનૌષધિય ચિકિત્સા પ્રણાલી અને ૧૬ પરંપરાગત આહારના સ્ટોલ મળી કુલ ૭૫ સ્ટોલ્સ બનાવવામાં આવ્યા હતા. જેમાં આદિવાસી હસ્તકલાકારો અને વૈદુ ભગતો સહિત કુલ ૧૧૨ કલાકારો સહભાગી બન્યા હતા. શહેરીજનોએ આ મેળામાંથી માત્ર ૭ દિવસમાં રૂ. ૧૫ લાખની ખરીદી કરી આદિવાસી ભાઈ-બહેનોની મહેનતને બિરદાવીને તેમણે વધુ આર્થિક પગભર બનાવવા પ્રેરણા આપી છે, જે ખરા અર્થમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘વોકલ ફોર લોકલ’ સૂત્રને સાર્થક કરે છે.

