Site icon Revoi.in

દ્વારકા જતા પદયાત્રિઓ પર વહેલી પરોઢે ટ્રક ફરી વળી, 3 મહિલાના મોત, 5ને ઈજા

Social Share

જામનગરઃ જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા પાટિયા નજીક હાઈવે પર આજે વહેલી પરોઢે યાત્રિકો પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા. ત્યારે પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે પદયાત્રિયોને અડફેટે લીધા હતા. આ અકસ્માતના બનાવમાં ત્રણ પદયાત્રિ મહિલાના મોત નિપજ્યા હતા. જ્યારે 5 મહિલાઓને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામના પાટિયા પાસે મોડી રાતે 4:30 વાગ્યે દ્વારકા દર્શન માટે જતી મહિલા પદયાત્રીઓ પર એક ટ્રક ફરી વળતાં ત્રણ મહિલાઓના મોત નિપજ્યા હતા, જ્યારે પાંચ મહિલાઓ ઈજાઓ થઈ હતી. મૃત્યુ પામનાર મહિલાઓમાં છાનુબેન આહીર (ઉ.વ. 50), રુડીબેન આહીર (ઉ.વ. 50) અને સેજીબેન આહીર (ઉ.વ. 45)નો સમાવેશ થાય છે. આ તમામ મહિલાઓ પાટણના જિલ્લાના સાંતલપુર બકુત્રા ગામની રહેવાસી હતી. કુલ આઠ મહિલાઓનું જૂથ દ્વારકાના જગત મંદિરે દર્શન કરવા માટે પદયાત્રા કરી રહ્યું હતું. પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે મહિલાઓને હડફેટે લીધી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘાયલ થયેલી પાંચ મહિલાઓને તાત્કાલિક જોડિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેમની સઘન સારવાર ચાલી રહી છે.

જોડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. ઘાયલ મહિલાઓના નિવેદન નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાને કારણે સાંતલપુર જિલ્લાના બકુત્રા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.