Site icon Revoi.in

તુર્કીઃ રિસોર્ટ હોટલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 76 લોકોના મોતની આશંકા

Social Share

તુર્કીના એક સ્કી રિસોર્ટ હોટલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 76 લોકો માર્યા ગયા અને 50થી વધુ ઘાયલ થયા હતા. બોલુ પ્રાંતના કાર્તાલકાયા સ્કી રિસોર્ટમાં સ્થિત એક હોટલમાં મધ્યરાત્રિ પછી આગ લાગતાં આ અકસ્માત સર્જાયો હતો. આ રેસ્ટોરન્ટ બિલ્ડિંગના એક માળે ચાલે છે. રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા લોકોએ ગભરાટમાં હોટલની ઇમારત પરથી કૂદી પડ્યા હતા અને તેમના મોત થયા હતા. બોલુ પ્રાંતના ગવર્નર અબ્દુલઅઝીઝ આયદિને જણાવ્યું હતું કે આગનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આગ ઝડપથી હોટલને લપેટમાં લઈ ગઈ.

આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ, શોધ અને બચાવ એકમો અને તબીબી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોએ મળીને લગભગ 230 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તુર્કીના ન્યાય પ્રધાન યિલમાઝ ટુનકેએ જણાવ્યું હતું કે અકસ્માતની તપાસ માટે બોલુ પ્રાંતના મુખ્ય સરકારી વકીલની કચેરી દ્વારા ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસ માટે છ સરકારી વકીલ અને પાંચ નિષ્ણાતોની સમિતિની રચના કરવામાં આવી છે.

કાર્તલકાયા રિસોર્ટ તુર્કીના મુખ્ય શિયાળુ પર્યટન સ્થળોમાંનું એક છે, જે સ્કી સીઝન દરમિયાન હજારો પ્રવાસીઓને આકર્ષે છે. આ હોટેલ 1978થી ટર્કિશ સ્કીઅર્સ માટે એક મુખ્ય કેન્દ્ર રહ્યું છે. બોલુ શહેર અંકારા અને ઇસ્તંબુલ વચ્ચે આવેલું એક મુખ્ય શહેર છે, અને આ વિસ્તાર સ્કી ટુરિઝમ માટે જાણીતો છે. બોલુ શહેરના કેન્દ્રથી 38 કિમી દૂર, અંકારા અને ઇસ્તંબુલથી 180 કિમી દૂર, કોરોગ્લુ પર્વતની ટોચ પર સ્થિત, સ્કી એન્ડ માઉન્ટેન હોટેલ 60,000 ચોરસ મીટરના વિસ્તારને આવરી લે છે.