Site icon Revoi.in

વેપારીઓ સાથે છેતરપિડીં કરી ઠગાઈ કરતી ગેન્ગના બે આરોપી ભૂજથી પકડાયા

Social Share

ભૂજ, 25 મે, 2026 : Two accused arrested from Bhuj for cheating  રાજ્યમાં ગઠિયાઓ દ્વારા અવનવી તરકીબો અપનાવીને છેતરપિંડીના બનાવો વધતા જાય છે. નકલી વેપારી અને આંગડિયા પેઢીના કર્મચારી બનીને વેપારીઓને ફોન મારફતે સંપર્ક કરીને પૈસા તેમજ ચીજ વસ્તુઓ મેળવી લઈને એક કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી કરનારા બે આરોપીઓને ભૂજથી દબોચી લેવાયા છે. છેલ્લા સાત વર્ષમાં આરોપીઓએ મુંબઈમાં એક કરોડ અને ગુજરાતના અલગ અલગ વેપારીઓને પોતાની જાળમાં ફસાવીને પૈસા તેમજ ચીજ વસ્તુઓ પડાવી લીધી છે. કાગડાપીઠ પોલીસે બંને આરોપીઓ પાસેથી મોબાઈલ એસેસરીઝ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

નકલી વેપારી અને આંગડિયા પેઢીના કર્મચારીના સ્વાંગમાં  ગુજરાત અને મુંબઈના વેપારીઓને લૂંટતા બે ઠગને કાગડાપીઠ પોલીસે ભુજ ખાતેથી ઝડપી પાડ્યા છે. આ મામલે પોલીસે 36 વર્ષીય જગદીશ ઠક્કર અને તેના સાથીદાર 37 વર્ષીય મુકેશ સોરઠીયાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓએ છેલ્લા 7 વર્ષ દરમિયાન અલગ-અલગ વેપારીઓ પાસેથી એક કરોડ રૂપિયાથી પણ વધુનો માલ અને રોકડ પડાવી લીધી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે હાલ આરોપી પાસેથી રોકડ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  થોડાક સમય પહેલા અમદાવાદ શહેરના ગીતામંદિર વિસ્તારના બે મોબાઈલ એસેસરીઝના વેપારીઓએ કાગડાપીઠ પોલીસ મથકમાં આંગડિયા પેઢીના નામે થયેલી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ પછી વડોદરાના અન્ય એક વેપારીએ પણ પોતાની સાથે થયેલી સમાન પ્રકારની ઠગાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ બંને ઘટનાઓ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ હાથ ધરીને ભુજથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપી જગદીશ ગૂગલ કે યુટ્યુબ પરથી જથ્થાબંધ વેપારીઓના નંબર મેળવીને તેમની પાસે ઓનલાઈન ફોટા મંગાવતો અને બિલ બનાવડાવતો. જેમાં આરોપી વેપારીને કહેતો કે તેણે બિલ કરતાં 10થી 15 હજાર રૂપિયા વધારે આંગડિયામાં જમા કરાવ્યા છે. આ જ સમયે તેનો મિત્ર મુકેશ આંગડિયા પેઢીનો કર્મચારી બનીને ફોન કરતો અને બોગસ ટોકન નંબર આપીને સવારે પૈસા લઈ જવા કહેતો. ત્યારબાદ જગદીશ ફરી ફોન કરીને વેપારીને વિનંતી કરતો કે તેણે જે વધારાના 10-15 હજાર મોકલ્યા છે, તે અન્ય વેપારીને આપવાના હોવાથી તેને ક્યૂઆર કોડ પર તાત્કાલિક ટ્રાન્સફર કરી દઉં, જેથી વેપારી વિશ્વાસમાં આવી છેતરપિંડીનો ભોગ બનતા અને પછી રૂપિયા ગુમાવતા હતા.

Exit mobile version