અમદાવાદમાં ડબલ મર્ડર કેસમાં બે વ્યક્તિઓની પોલીસે કરી અટકાયત
અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતિની તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવાના ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલી નાખીને બે આરોપીઓની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. આ બંને આરોપીઓ ઝારખંડના હોવાનું જાણવા મળે છે. તેમજ છેલ્લા ત્રણેક મહિનાથી ઘાયલોડિયામાં જ રહેતા હતા. વૃદ્ધ દંપતિની આરોપીઓએ કેમ હત્યા કરી તે જાણવા માટે તપાસ શરૂ કરી છે. તેમજ બંને આરોપીઓની પૂછપરછ આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઘાયલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતિની તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. આ બનાવની તપાસમાં ક્રાઈમબ્રાન્ચ પણ જોડાઈ હતી. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે વિવિધ દીશામાં તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો હતો. પોલીસે સીસીટીવી, ટેકનીકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી તપાસ વેગવંતી બનાવી હતી. દરમિયાન ડબલ મર્ડરના આરોપી મુળ ઝારખંડના હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ તપાસમાં સીસીટીવી ફુટેજમાં એક શંકાસ્પદ યુવક જણાયો હતો. જેની ઓળખ કરી પુછપરછ કરતા તે ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. અને તેને અન્ય એક શખ્સ સાથે મળી હત્યા કરી હોવાનું કબુલ્યુ હતું. પોલીસ એક આરોપીની અટકાયત કરીને આગવી ઢબે પૂછપરછ કરતા તે પડી ભાંગ્યો હતો અને તેણે કબુલ્યું કે તેણે તેના એક સાથી સાથે મળી વૃદ્ધ દંપત્તિની હત્યા કરી છે. તે મુળ ઝારખંડનો વતની હતો અને પારસમણી પાછળના ઝુપડામાં જ રહેતો હતો. પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકંસ્ટ્રકશન કરવાની કામગીરી કરી હત્યા કેમ કરી અને બીજા અનેક પ્રશ્નના ઉત્તર મેળવવાનું શરૂ કર્યું છે.