ગાંધીનગર,12 ફેબ્રુઆરી 2026: શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સરિતા ઉદ્યાન પાસે બુલેટ અને બાઈક વચ્ચે સર્જાયો હતો. શહેરના ઇન્દ્રોડા કટ પાસે બુધવારે સાંજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના મોત નીપજ્યા છે. પૂરપાટ ઝડપે આવતા એક રોયલ એનફિલ્ડ બુલેટના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈકસવારબંને યુવાનના મોત નીપજ્યા છે. આ મામલે મૃતક જગદીશસિંહના પિતા જશપાલસિંહ ડાભીએ બુલેટ ચાલક વિરુદ્ધ સેક્ટર-7 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ગાંધીનગર સેકટર-7માં નોંધાયેલી ફરિયાદ મુજબ, સેક્ટર-8માં રહેતા નિવૃત્ત જશપાલસિંહ ડાભીનો 40 વર્ષીય પુત્ર જગદીશસિંહ ડાભી અને તેમનો ભાણો ઘનશ્યામસિંહ કનુજી ચાવડા (રહે. સમૌ, માણસા) ગત સાંજે ઇન્દ્રોડા ગામમાં કામ અર્થે ગયા હતા. બાદમાં સાંજે આશરે પોણા સાત વાગ્યે તેઓ બાઇક પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ‘જ’ રોડ ઇન્દ્રોડા કટ પાસે રોડ ક્રોસ કરતી વખતે ઇન્દ્રોડા સર્કલ તરફથી પૂરપાટ ઝડપે આવતા બુલેટના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જાતા 108 મારફતે બાઈકસવાર બંન્ને યુવાનોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ ઘનશ્યામસિંહ ચાવડાને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ ગંભીર રીતે ઘાયલ જગદીશસિંહ ડાભીને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ રાત્રે તેમણે પણ દમ તોડી દીધો હતો. એક જ અકસ્માતમાં બે યુવાનના મોતથી ડાભી અને ચાવડા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે મૃતક જગદીશના પિતાએ સેકટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

