જામનગર, 23 એપ્રિલ 2026: Two children drown in Lakhota lake શહેરના લાખોટા તળાવમાં આજે સવારે ડૂબી જતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા. અને બાળકોની શોધખોળ કરતા તળામાંથી બન્ને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે મૃતક બાળકોના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે અને સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના લખોટા તળામાં આજે સવારે કોઈ ડૂબ્યું હોવાની આશંકા જતાં વિપુલ નામના જાગૃત નાગરિકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. આથી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ ટીમને તળાવમાંથી 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃત બાળકોના નામ જેનીશ નંદા (ઉંમર: 12 વર્ષ) અને હર્ષિલ રાજેશભાઈ ડાંગર (ઉંમર: 10 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે.
ફાયર વિભાગે બંને મૃતદેહોને બહાર કાઢી, સ્થળ પર હાજર પરિવારજનોની ઓળખ બાદ જામનગર સીટી ‘A’ ડિવિઝન પોલીસને સોંપ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસે બંનેના મૃતદેહોને જીજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. એકસાથે 2 માસૂમોના જીવ જવાથી સ્થાનિક લોકોમાં પણ ચિંતા અને ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

