- 5 મિત્રો કારમાં ગઢાળીથી મેંદરડા તરફ જઈ રહ્યા હતા,
- પૂરફાટ ઝડપે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર તળાવમાં ખાબકી,
- કારમાં સવાર ત્રણનો ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
જૂનાગઢઃ જિલ્લાના મેંદરડા તાલુકાના ચાંદ્રાવાડી ગામ નજીક પૂરફાટ ઝડપે જઈ રહેલી એક કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારીને રોડની બાજુમાં આવેલા તળાવમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બે યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ મિત્રોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, બગસરા તાલુકાના હડાળા ગામના વતની કિશન લખમણભાઈ કાવાણી અને માંગરોળ તાલુકાના ચંદવાણા ગામના મહિપાલ અશોકભાઈ કુબાવત તથા તેમના અન્ય ત્રણ મિત્રો કાર લઈને ગઢાળીથી મેંદરડા તરફ જઈ રહ્યા હતા. ત્યારે ચાંદ્રાવાડી ગામ નજીક પહોંચ્યા ત્યારે અચાનક જ કારચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કારની ગતિમાં અચાનક બ્રેક મારતા કાર પલટી મારી ગઈ હતી અને રસ્તાની બાજુમાં આવેલા નાનકડા તળાવમાં જઈને ખાબકી હતી. પાણીમાં ડૂબી જવાને કારણે અને ગંભીર ઈજાઓને લીધે કિશન કાવાણી અને મહિપાલ કુબાવતનું કરૂણ મોત નીપજ્યું હતું.
આ અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોકોએ જહેમત ઉઠાવી ઈજાગ્રસ્તોને અને મૃતકોને બહાર કાઢ્યા હતા. ઘાયલ થયેલા અન્ય ત્રણ મિત્રોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો લઈ તેમને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ડ્રાઈવિંગ પરનો કાબૂ ગુમાવવાને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક સાથે બે યુવાનોના મોતને પગલે સમગ્ર પંથકમાં અને મૃતકોના પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

