સુરત, 25 જાન્યુઆરી 2026: શહેરના તાપી નદી પર નિર્માણાધિન બુલેટ ટ્રેન માટેના બ્રિજ નીચે હોડીમાં માછીમારી કરવા જઈ રહેલા પિતા-પૂત્ર પર લોખંડની ભારેખમ પ્લેટ પડતા બન્નેના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના કઠોર ગામ પાસેથી પસાર થતી તાપી નદીમાં સાંજના સમયે નિર્માણધીન બુલેટ ટ્રેનના બ્રિજ નીચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કઠોર ગામ વિસ્તારમાં બદાત ફળિયામાં રહેતા 25 વર્ષીય મોહસીન શેખ અને તેમની પુત્રી હુમા શેખ સાંજે પાંચ વાગ્યાના અરસામાં હોડી લઈને તાપી નદીમાં માછીમારી કરવા નીકળ્યા હતા. જ્યારે તેઓ નદીમાં બની રહેલા બુલેટ ટ્રેન બ્રિજના પિલર નીચેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક નિર્માણ હેઠળના પિલર પરની એક ભારે લોખંડની પ્લેટ તેમની હોડી પર પડી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે પિતા-પુત્રી બંનેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. પિલર નિર્માણ માટે ત્યાં વિશાળ ક્રેન અને અન્ય સાધનસામગ્રી કાર્યરત હતી તે દરમિયાન આ પ્લેટ કેવી રીતે અને કયા કારણોસર પડી તેની તપાસ હાથ ધરવામાં આવી છે. હોડી પર પડેલી ભારેખમ પ્લેટને હટાવવાની કામગીરી આજે સવારથી શરૂ કરવામાં આવી છે. નિર્માણ કાર્યમાં સલામતીના અભાવને કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા વચ્ચે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આટલા મોટો પ્રોજેક્ટમાં સુરક્ષાના સાધનો અને નિયમોના ઉલ્લંઘન અંગે પણ પોલીસ કડક તપાસ કરી રહી છે. જેથી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય.

