ખંભાળિયા, 1 મે 2026: Two killed as car hits divider દ્વારકા-ખંભાળિયા હાઈવે પર હાબરડીના પાટીયા નજીક મોડી રાત્રે પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાતા કારમાં સવાર બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, દ્વારકા-ખંભાળિયા હાઈવે પર મોડી રાત્રે એક કાર ખંભાળિયાથી દ્વારકા તરફ જઈ રહી હતી. ત્યારે હાબરડીના પાટીયા પાસે ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા કાર સીધી રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ટકરાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક મહિલા અને એક પુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મુસાફરોને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતકોના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

