હિંમતનગર, 16 માર્ચ 2026: Two killed in triple accident રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા સાદોલીયા ઓવરબ્રિજ પર સર્જાયો હતો. બ્રિજ પર ભારે વાહનોના પ્રતિબંધિત હોવા છતાં પસાર થઈ રહેલા રેતી ભરેલા 3 ડમ્પર અને 1 ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક ચાલકને ફાયર વિભાગે જીવિત બહાર કાઢ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા સાદોલીયા ઓવરબ્રિજ પર ભારે વાહનોની અવરજવર રોકવા માટે તંત્ર દ્વારા લોખંડના ગડર (બેરિયર) લગાવવામાં આવ્યા છે. રાત્રે રેતી ભરીને જતું એક ડમ્પર આ લોખંડના ગડર સાથે અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે પાછળ આવી રહેલા અન્ય 2 ડમ્પર અને 1 ટ્રક પણ એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં ડમ્પરના કેબિનનો કુરચો બોલી ગયો હતો, જેમાં ફસાયેલા ચાલક અને ક્લીનરનું ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મૃતકના નામ અજીત શના ઠાકોર (25 વર્ષ) અને વિશાલ લક્ષ્મણ ઠાકોર (24 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની જાણ થતા જ પ્રાંતિજ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. અંદાજે 45 મિનિટની જહેમત બાદ ડમ્પરની કેબિન કાપીને બંને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. દરમિયાન પાછળ અથડાયેલી ટ્રકના કેબિનમાં ફસાયેલા ચાલક જીવરામ ગોવિંદને ફાયર ટીમે માત્ર 10 મિનિટમાં સુરક્ષિત બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાંતિજ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં ઓવરલોડ વાહનો આ માર્ગ પરથી પસાર થતા હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

