વડોદરાથી ભરૂચ તરફ જતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આમોદ નજીક આવેલા માતર ગામ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ વેની રોડ સાઈડની રેલિંગનું કામ કરી રહેલા ટ્રેક્ટરને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેલરની ટક્કર વાગવાથી ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. દુર્ઘટનાના પરિણામે, રેલિંગનું કામ કરી રહેલા બે શ્રમિકોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બેથી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણ થતાં જ તુરંત 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

