Site icon Revoi.in

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા નજીક કારની અડફેટે બે શ્રમિકોના મોત

Social Share

વડોદરાઃ નોશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો, પાદરાના સરસવણી ગામ નજીક હાઇવે સમારકામની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન પૂરફાટ ઝડપે આવેલી કારે શ્રમિકોને અડફેટે લીધા હતા.જેમાં બે શ્રમિકોના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ શ્રમિકોનો બચાવ થયો હતો. વડોદરાથી ભરૂચ તરફ જતી કારના ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવી શ્રમિકોને અડફેટે લીધા હતા. સમગ્ર મામલે પાદરા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માત કરનાર કારચાલક 40 વર્ષીય ડોક્ટર મૌલિક ઝવેરીનું અંકલેશ્વરમાં દવાખાનું છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ બંને મૃતકોના પોસ્ટમોર્ટમ અને પંચનામાની કાર્યવાહી કરાઈ રહી છે. મૃતકનાં નામ દિલીપ દહિયા અને મનોજ કુમાર હોવાનું જાણવા મળ્યુ છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ઠેર ઠેર રોડનાં સમારકામની કામગીરી ચાલી રહ્યા છે, જ્યાં બેરિકેડિંગ પણ કરેલું છે, તેમ છતાં પૂરફાટ ઝડપે કારે શ્રમિકોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મધ્યપ્રદેશના 2 મજૂરનાં મોત થયાં છે. ઘટનાને પગલે મજૂરોનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં અને રોષે ભરાયાં હતાં.

આ અકસ્માતના બનાવ અંગે બચી ગયેલા શ્રમિકોએ જણાવ્યું હતું કે, અમે લોકો સવારે અહીંથી રોડ મેન્ટેનન્સનાં કામ માટે હાઈવે પરની સાઇટ ખાતે જવા નીકળ્યા હતા. સવારે 8:30 વાગ્યે સાઇટ પર પહોંચ્યા હતા. પોતાનું સેફ્ટી વગેરે બધું જ લગાવ્યું હતું. શ્રમિકો રોડ મરામતનું કામ કરી રહ્યા હતા. ત્યારે પૂરઝડપે આવેલી કારે શ્રમિકોને અડફેટે લીધા હતા. જેમાં બે શ્રમિકોના મોત નિપજ્યા હતા. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે 8 લેન છે. જોકે હાલ હાઇવે પર મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે અને કારચાલક ડોક્ટરની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હતો.

Exit mobile version