Site icon Revoi.in

અમદાવાદમાં વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી ઠગાઈ કરનારા બે શખસોને દબોચી લેવાયા

Social Share

અમદાવાદઃ દેશમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. જેમાં મોબાઈલ વિડિયો કોલ કરીને સીબીઆઈ, ઈડી કે ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને અવનવા બહાના કાઢીને ગુનામાં સંડોવાયેલા હોવાનું કહીને ધમકી આપીને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા પડાવાતા હોય છે. આવો જ એક બનાવ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ સાથે બન્યો હતો. નિવૃત એવા સિનિયર સિટિઝનને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવીને ગઠિયાઓએ રૂપિયા ૩ લાખ ખંખેરી લીધા હતા. આ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોધીને તપાસ કરી હતી. જેમાં RTGSના આધારે તપાસ કરીને પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસ RTGS દ્વારા ટ્રાન્સફર થયેલા રૂપિયાની લિંકથી આરોપી સુધી પહોચી હતી. આ કેસની તપાસ દિલ્હી સુધી પહોંચી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના બહેરામપુરામાં નિવૃત્તિ બાદ એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધને તમારું આધાર કાર્ડ આંતકી પ્રવૃત્તિમાં કર્ણાટક અને તામિલનાડુમાં ઉપયોગમાં લેવાયું છે. મુંબઈ પોલીસ તમારી ધરપકડ કરવાની છે. જો ધરપકડથી બચવા માંગતા હોવ તો રૂપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે તેમ કહીને વૃદ્ધ પાસેથી રૂ. 3 લાખ RTGS કરાવી લીધા હતાં. બાદમાં બીજા દિવસે વધુ 7 લાખની માંગણી કરવામાં આવી હતી. આ અંગે વૃદ્ધે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં પોલીસે જે એકાઉન્ટમાં RTGS મારફતે રૂપિયા મોકલવામાં આવ્યા હતા, તે એકાઉન્ટ ધારકની વિગતો તપાસતા રાણીપ વિસ્તારમાં આવેલ ડગા માર્કેટિંગ કમ્પાઉન્ડ અને દિગ્વિજય ફેક્ટરીની સામે રહેતા શ્રવણ સાગરા અને વિવેક ઉર્ફે કોકો રાઠોડની ધરપકડ કરી હતી.

પોલીસે બંને આરોપીની પૂછપરછમાં સુરતના શખ્સનું નામ ખુલવા પામતા એક ટીમ તાત્કાલિક સુરત રવાના કરવામાં આવી છે. ત્યારે ત્રણેય આરોપીની સઘન પૂછપરછ કરતા દિલ્હીનો શખસ ડિજિટલ અરેસ્ટનું કોલ  સેન્ટર ચલાવતો હતો. તથા ઝડપાયેલા શ્રવણ સાગરાનું એકાઉન્ટ થોડાક રૂપિયા આપીને ભાડેથી લીધું હતું. હાલ કાગડાપીઠ પોલીસે દિલ્હી સુધી તપાસ કરવા માટે ટીમો રવાના કરી છે.