કલોલ,12 જુન, 2026 : Two mischievous monkeys locked in a cage શહેરના પૂર્વ વિસ્તારમાં બે વાનરોનો આંતક હતો. શહેરની જી.ઈ.બી. કચેરી અને સિન્ટેક્ષ કંપનીના કમ્પાઉન્ડમાં બે હિંસક વાનરોનો આતંક એટલો વધી ગયો હતો કે, લોકો રસ્તા પર નીકળતા ડરતા હતા. બંને હિંસક વાનરોએ 30થી વધુ લોકો પર હુમલા કરી બચકા ભરીને લોહીલુહાણ કર્યા હતા. આ અંગે સ્થાનિક લોકોએ વન વિભાગને રજુઆત કરતા વન વિભાગે બન્ને તોફાની વાનરોને પકડીને પાંજરે પૂર્યા છે.
કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં બે તોફાની વાનરો આવતા-જતા લોકો પર અચાનક હુમલા કરતા હતા. હિંસક વાનરોએ જી.ઈ.બી. કચેરીને પોતાનો અડ્ડો બનાવી લીધો હતો. ઓફિસ આવતા કર્મચારીઓ પર કમ્પાઉન્ડમાં ઝાડ પરથી કૂદીને હુમલો કરવાનો એક સિલસિલો શરૂ થયો હતો. આ દરમિયાન ઓફિસે વીજ બિલ ભરવા આવેલા એક આધેડ પર વાનરે ઘાતકી હુમલો કરી દીધો હતો અને તેને બચકા ભરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યાં હતા. આ ઉપરાંત સિન્ટેક્ષ કંપનીમાં કામ કરતા 25થી વધુ કામદારો પણ વાનરોના હુમલાનો શિકાર બન્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સતત ડરના કારણે લોકો ઘરની બહાર નીકળતા પણ ગભરાતા હતા. આ અંગે ફરિયાદ મળતા વન વિભાગ દ્વારા વાનરોને પકડવા માટે ખાસ ઓપરેશન હાથ ધરાયું હતું.
વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આ કામગીરીમાં સદભાવના ફાઉન્ડેશન નામની NGOની ટીમ પણ વન વિભાગની મદદ માટે આગળ આવી હતી. સદભાવના ફાઉન્ડેશનના સભ્યો અને વન વિભાગના કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોને આજે આખરે સફળતા મળી છે. બંને ખૂંખાર કપિરાજને સિન્ટેક્ષ કંપનીના કમ્પાઉન્ડમાંથી પાંજરે પૂરીને ઝડપી લેવામાં આવ્યા હતા. જેના પગલે સમગ્ર વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો છે. જોકે બે વાનરો પકડાવા છતાં સ્થાનિક લોકોનો ડર પુરેપુરો ઓછો થયો નથી. આ ગેંગનો એક ત્રીજો સાથીદાર હજુ પણ શેરીસા વિસ્તારમાં આતંક મચાવી રહ્યો છે. તેણે પણ અનેક લોકોને બચકા ભરીને ઘાયલ કર્યા છે. આ ત્રીજા આતંકી વાનરને પકડવા માટે વન વિભાગની ટીમો દ્વારા હવે શેરીસા વિસ્તારમાં પાંજરા ગોઠવીને અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને દિવસ-રાત દોડધામ કરવામાં આવી રહી છે.

