
અમૃતસરમાંથી બે આતંકવાદીઓને મોતના સામાન સાથે ઝડપી લેવાયાં
નવી દિલ્હીઃ અમૃતસર પોલીસે આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમના કબજામાંથી ત્રણ હેન્ડ ગ્રેનેડ, ભારતીય ચલણના એક લાખ રૂપિયા અને એક કાર મળી આવી હતી. જો કે મામલાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ કંઈપણ જણાવવા તૈયાર નથી.
ફિરોજપુર જિલ્લાના બરકે ગામના પ્રકાશ સિંહ ઉર્ફે મિંટૂ, અંગ્રેજ સિહ ઉર્ફે ગેજાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસને માહિતી મળી હતી કે આ લોકો કારમાં પઠાણકોટથી અમૃતસર તરફ આવી રહ્યા છે. પોલીસે મકબૂલપુરા વિસ્તારમાં નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન પઠાણકોટ તરફથી આવી રહેલી એક કારને રોકીને તલાશી લેવામાં આવી અને કારમાંથી ત્રણ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતો. આ ઉપરાંત પોલીસે આરોપીના કબજામાંથી એક લાખ રૂપિયાનું ભારતીય ચલણ પણ જપ્ત કર્યું હતું. પોલીસને શંકા છે કે આરોપીઓ આ ગ્રેનેડ જમ્મુ-કાશ્મીરના કોઈ આતંકવાદી સંગઠનમાંથી લાવ્યા હતા. પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા બાદ આ મામલે તપાસ શરૂ કરી છે.
પોલીસે બંને આરોપીઓ પાસેથી મોતની સામગ્રી જપ્ત કરીને તેમના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. આ ઉપરાંત તેમના સાગરિતોને ઝડપી લેવા તપાસ આરંભી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને ઉંડાણપૂર્વકની તપાસ કરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.