
લખનૌઃ ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લામાં બાઈક ઉપર પસાર થઈ રહેલા યુવાનો ઉપર અચાનક ઝાડીમાંથી આવેલા વાઘે હુમલો કર્યો હતો. વાઘના હુમલામાં બેના મોત થયાં હતા. જ્યારે એક યુવાન ઝાડ ઉપર ચડી જતા તેનો જીવ બચી ગયો હતો. વાઘના ખોફથી ડરેલો યુવાન આખી રાત ઝાડ ઉપર જ વિતાવી હતી.
વાઘના હુમલાથી ગભરાઈ ગયેલા વિકાસ નામના યુવાને જણાવ્યું હતું કે, સવારે હું, કંધઈ અને સોનુ એમ ત્રણ યુવાનો બાઈક પર બહાર જવા નિકળ્યા હતા.કંધઈના સાસરે થોડા સમય માટે અમે રોકાયા હતા અને સાંજે ઘરે પાછા આવવા નીકળ્યા હતા. રસ્તામાં જંગલ પાસે અમે પહોંચ્યા હતા ત્યારે ફોરેસ્ટ વિભાગના એક કર્મચારીએ અમને આગળ વાઘ હોવાની ચેતવણી આપી હતી.
ઘરે પરત ફરવાની ઉતાવળમાં વનવિભાગના અધિકારીની વાતને અવગણી હતી. તેમજ ઘર તરફ આવવા નીકળ્યાં હતા. માત્ર 15 મિનિટ આગળ આવ્યાં ત્યારે બે વાઘ રોડની સાઈડમાં બેઠા હતા. જેથી અમે બાઈક અટકાવી હતી. આ જોઈને એક વાઘે અમારા પર છલાંગ લગાવી હતી. જેના પગલે અમે ત્રણે જણા પડી ગયા હતા. ત્યાર બાદ અમે ભાગવાનુ શરુ કર્યુ હતુ. આ દરમિયાન બીજા વાઘે મારા માથા પર પંજો માર્યો હતો પણ મેં હેલમેટ પહેરી હોવાથી બચી ગયો હતો. વાઘના ડરથી ભાગતો રહ્યો હતો અને આગળ એક ઝાડ પર ચઢી ગયો હતો. એટલામાં એક વાઘે સોનુ પર હુમલો કરીને તેને મારી નાંખ્યો હતો.
કંધઈ પણ એક ઝાડ પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ વાઘે તેને પકડી લીધો હતો. દહેશતના કારણે મેં આંખો બંધ કરી દીધી હતી. મને ડર હતો કે, વાઘ મને પણ મારી નાંખશે. ચૂપચાપ આખી રાત જાડ પર પહેરી રહ્યો હતો. આંખ ખોલતો અને જોતો તો નીચે વાઘ મંડરાતા હતા. આખી રાત આ સિલસિલો ચાલતો રહ્યો હતો. સવારે વાઘ ગાયબ થઈ ગયા હતા. એટલામાં કેટલાક લોકો અહીંથી પસાર થયા હતા ત્યારે મેં તેમને બૂમ પાડીને રોક્યા હતા. તેમણે હિંમત આપ્યા બાદ નીચે ઉતર્યો હતો અને ગમે તેમ કરીને ઘરે પહોંચ્યો હતો.
(PHOTO- FILE)