Site icon Revoi.in

જામનગરના લોઠીયા ગામે તળાવમાં બે યુવાનો ડુબ્યા, એકનો બચાવ, એકનું મોત

Social Share

જામનગરઃ  તાલુકાના લોઠીયા ગામે તળાવમાં ડુબી જતા એક યુવાનું મોત નિપજ્યું હતું, લોઠિયા ગામે રવિવારે મેળો ભરાયો હતો, અને કેટલાક યુવાનો બાજુમાં જ આવેલા તળાવમાં નહાવા માટે ગયા હતા, જે દરમિયાન બે યુવાનો ડૂબ્યા હતા, પરંતુ તેમાં એક યુવાનનો બચાવ થયો હતો. જ્યારે એક યુવાન ડૂબી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે, જામનગર તાલુકાના લોઠીયા ગામમાં રવિવારે લોકમેળો ભરાયો હતો, અને લોઠીયા ગામ તેમજ આસપાસના ગ્રામજનો મેળાને મહાલવા માટે  એકત્ર થયા હતા. જે પૈકીના કેટલાક યુવાનો ગરવિવારે બપોરે પોણા બારેક વાગ્યાના અરસામાં લોઠીયા ગામ પાસેના તળાવમાં નહાવા માટે પડ્યા હતા. જે પૈકી બે યુવાનો પાણીમાં ડૂબવા લાગ્યા હતા.  જેથી ગ્રામજનોએ એક યુવાનને બચાવી લઈ પાણીમાંથી બહાર ખેંચી લીધો હતો, પરંતુ મહેશ કરસનભાઈ ડાભી નામનો 28 વર્ષનો બીજો યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જે બહાર નહીં નીકળતાં આખરે ફાયર વિભાગને જાણ કરાઈ હતી, અને શાખાની ટુકડી તુરતજ દોડી ગઈ હતી. ભારે જહેમત બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને બહાર કાઢીને પોલીસને સુપ્રત કર્યો હતો. પંચકોશી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

Exit mobile version