
યુકેઃ એશિયા કપમાં હારથી નારાજ પાકિસ્તાની મુસ્લિમોના ટોળાએ હિન્દુઓ ઉપર હુમલો કર્યો
નવી દિલ્હીઃ ભારતમાં વર્ષોથી હિન્દુ-મુસ્લિમો વચ્ચે અથડામણના બનાવો બને છે. આ ઉપરાંત ભારતના પડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવો અવાર-નવાર સામે આવે છે. ત્યારે યુકેના લેસ્ટરમાં પાકિસ્તાની મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. તોફાની ટોળાએ પોલીસ ઉપર પણ કારની બોટલોથી હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવીને ફરીથી અનિચ્છનીય બનાવ ના બને તે માટે બંદોબસ્ત ગોઠવ્યો હતો. તેમજ બંને ધર્મના લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, અચાનક અહીં બે સમુદાયોની ભીડ એકઠી થઈ અને વિરોધ કરવા લાગ્યા હતા. આ દરમિયાન જ્યારે પોલીસે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો તો તેમના પર કાચની બોટલો પણ ફેંકવામાં આવી હતી. એશિયા કપમાં પાકિસ્તાનની હારથી મુસ્લિમ અને હિંદુ સમુદાય વચ્ચે તણાવ શરૂ થયો હતો. 28 ઓગસ્ટે એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ પછી, 6 સપ્ટેમ્બરના રોજ ગુસ્સે થયેલા પાકિસ્તાની મુસ્લિમોએ લેસ્ટરમાં હિન્દુઓ પર હુમલો કર્યો.
અહેવાલો અનુસાર, અથડામણ બાદ પોલીસે બે લોકોને કસ્ટડીમાં લીધા છે. લેસ્ટર શહેર લંડનથી માત્ર 160 કિમી દૂર છે. લેસ્ટર પોલીસ ચીફ કોન્સ્ટેબલ રોબ નિક્સને કહ્યું – અમને પૂર્વ લેસ્ટરમાં તણાવની માહિતી મળી છે. સ્થિતિને કાબુમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યાં છે. આ પોલીસકર્મીઓને લોકોને રોકીને તપાસ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. નિક્સને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. આ વિસ્તારમાં આગામી કેટલાક દિવસો સુધી પોલીસ બંદોબસ્ત ચાલુ રહેશે.