Site icon Revoi.in

ઝાલાવાડમાં અસહ્ય ગરમી, સરકારી કચેરીઓમાં આવતા લોકો માટે વ્યવસ્થા કરવા સુચના

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ઉનાળો વધુ આકરો બની રહ્યો છે, તાપમાનનો પારો 42 ડિગ્રી વટાવી ગયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને હીટવેવથી બચાવવા માટે જિલ્લા કલેકટર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારી કચેરીઓમાં કામ અર્થે આવતા લોકોને ઠંડુ પીવાનું પાણી, બેસવા માટેની વ્યવસ્થા કરવા તેમજ મનરેગા અને રોડ-રસ્તાના કામો કરતા શ્રમિકોને પણ છાયડાંની વ્યવસ્થા કરવા વગેરે સુચનાઓ પણ આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં હીટવેવને ધ્યાને લઈ સરકારી કચેરીઓમાં આવતા લોકો માટે પાણી અને બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તાકીદ કરાઇ હતી. જ્યારે પ્રિમોન્સુનની કામગીરી અંગે પણ સૂચના અપાઇ હતી.

જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે હાલ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હીટવેવ માટે તકેદારીનાં પગલાંઓ, કચેરીઓમાં બપોર વચ્ચેનાં સમયગાળામાં ઘટાડો કરી સવારે અને સાંજે સમય વધારવા માટે, જનસેવા કેન્દ્રો સહિત સરકારી તમામ કચેરીઓમાં મુલાકાતીઓ માટે છાંયડામાં બેસવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, બાંધકામ શ્રમયોગીઓ, રોડ રસ્તાની કામગીરી, નરેગાની કામગીરી કરતાં શ્રમિકો માટે કામગીરીનાં સ્થળોએ બપોરનાં સમયગાળા દરમિયાન છાંયડામાં બેસવાની વ્યવસ્થા સહિતની તકેદારીઓ લેવા સંબધિત અધિકારીઓને સૂચિત કર્યા હતા. તદુપરાંત ગત ચોમાસા દરમિયાન જે જગ્યાઓ ઉપર પાણી ભરાયા હોય તે જગ્યા ઉપર સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે રીતે પ્રિ–મોન્સુન કામગીરીનું આગોતરું આયોજન કરવા પણ સંબધિત વિભાગોના અધિકારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં સાંસદ ચંદુભાઈ શિહોરા, પોલીસ મહાનિરિક્ષક ડો. ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર આર. કે. ઓઝા, નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ. કે. અટારા, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.