અંડર-19 વર્લ્ડ કપ: ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ અનેક રેકોર્ડ સર્જયા
નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: ભારતીય ટીમના વિસ્ફોટક બેસ્ટમેન વૈભવ સૂર્યવંશીએ અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે માત્ર 80 બોલમાં 15 છગ્ગા સાથે 175 રનની ઐતિહાસિક ઇનિંગ રમી અનેક વિશ્વ વિક્રમો સ્થાપ્યા છે. તે અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બનાવનાર અને એક જ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 30 છગ્ગા મારનાર ખેલાડી બની ગયો છે. આ સાથે જ તેણે માત્ર 71 બોલમાં સૌથી ઝડપી 150 રન પૂરા કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
વૈભવ સૂર્યવંશીએ અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ઐતિહાસિક ઇનિંગ રમીને અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. ઇંગ્લેન્ડ સામે શુક્રવારે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં માત્ર 80 બોલમાં 175 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 15 છગ્ગા અને 15 ચોગ્ગા સામેલ હતા. આ સાથે જ વૈભવ અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા મારનાર, અંડર-19માં સૌથી ઝડપી 150 રન બનાવનાર અને વર્લ્ડ કપ ફાઈનલમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો છે. ચાલો આ રેકોર્ડ્સ વિશે વિગતવાર જાણીએ:
વૈભવ સૂર્યવંશીએ 175 રનની ઇનિંગ રમી, જે અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલના ઇતિહાસમાં કોઈપણ ખેલાડી દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર છે. આ યાદીમાં ઉન્મુક્ત ચંદ (111 રન, 2012) હવે બીજા સ્થાને છે. ત્યારપછી બ્રેટ વિલિયમ્સ (108), સ્ટીફન પીટર્સ (107) અને મનજોત કાલરા (101) નો નંબર આવે છે. વૈભવ હવે અંડર-19 વર્લ્ડ કપના એક જ સંસ્કરણમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી બની ગયો છે. તેણે આ ટૂર્નામેન્ટમાં કુલ 30 છગ્ગા ફટકાર્યા છે. આ સાથે તેણે સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસનો રેકોર્ડ (18 છગ્ગા, 2022) તોડી નાખ્યો છે.
વૈભવે ફાઈનલ મેચમાં 15 છગ્ગા ફટકાર્યા હતા. તે અંડર-19 વર્લ્ડ કપની એક જ ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બન્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાના માઈકલ હિલ (12 છગ્ગા, 2012) નો રેકોર્ડ માત આપી છે. વૈભવના નામે હવે અંડર-19 ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો રેકોર્ડ નોંધાયો છે, તેણે આ સિદ્ધિ માત્ર 71 બોલમાં મેળવી હતી. આ પહેલા ઇંગ્લેન્ડના બેન મેયસે 98 બોલમાં 150 રન બનાવ્યા હતા. અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદીના મામલે વૈભવ હવે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે માત્ર 55 બોલમાં સદી પૂર્ણ કરી હતી. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો વિલ માલાજચુક (51 બોલ) પ્રથમ ક્રમે છે.


