Site icon Revoi.in

જુનાગઢમાં હાઉસિંગ વસાહતમાં જર્જરિત મકાનોના પાણી કનેકશન કપાતા હોબાળો

Social Share

જુનાગઢ, 4 જુન, 2026 : Uproar as water connections of dilapidated houses are cut off  શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં વોર્ડ નંબર 14 માં આવેલી વર્ષો જુની ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં મકાનો જર્જરિત બની ગયા છે. મ્યુનિ.કોર્પરેશને મકાનો ખાલી કરવા માટે રહીશોને નોટિસો પણ પાઠવી છે. પણ રહિશો જર્જરિત મકાનો ખાલી કરતા નથી. ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ જાતની પૂર્વ લેખિત જાણ કે કારણદર્શક આદેશ વગર સ્થાનિક રહીશોના પાણીના કનેક્શનો કાપી નંખાતા વિરોધ ઊભો થયો છે. સ્થાનિક રહિશોએ મ્યુનિ.કમિશનરને આવેદનપત્ર આપીને તાત્કાલિક પાણી પુરવઠો બહાલ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી.

 આ બનાવની વિગત એવી છે કે, શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં વોર્ડ નંબર 14માં વર્ષો જુની ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહત આવેલી છે. આ વસાહતના મકાનો જર્જરિત અવસ્થામાં છે. ચોમાસામાં કોઈ દૂર્ઘટના ન સર્જાય તે માટે મ્યુનિ. કોર્પોરેશને નોટિસ પાઠવીને મકાનો સત્વરે ખાલી કરવા જણાવ્યું હતું તેમ છતાં રહિશો મકાનો ખાલી કરતા નથી. આથી મ્યુનિ.એ પાણીના કનેક્શન કાપી નાંખતા વસાહતના રહિશોમાં વિરોધ જાગ્યો છે. ધોમધખતા ઉનાળામાં અને વેકેશનના ગાળા દરમિયાન પાણી જેવી જીવન જરૂરી પ્રાથમિક સુવિધા બંધ કરી દેવાતા સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ મનસ્વી અને આપખૂદી નિર્ણયના વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના રહીશોએ મ્યુનિ.કોર્પોરેશનની કચેરીએ પહોંચીને આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું અને કમિશનરને આવેદન પત્ર સુપરત કરીને તાત્કાલિક પાણી પુરવઠો બહાલ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી.

સ્થાનિક રહિશોના કહેવા મુજબ  મ્યુનિની નોટિસ મળ્યા બાદ આર્થિક સંકટ હોવા છતાં ગરીબ પરિવારોએ પોતાના ઘરનું મરામત અને રીનોવેશનનું કામ શરૂ કરી દીધું છે. આ સોસાયટીમાં રહેતા મોટાભાગના પરિવારો ગરીબી રેખા નીચે જીવે છે અને રેશનકાર્ડ પર નિર્ભર છે, તેથી તેમની પાસે રહેવા માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. મિલકતોમાં કોઈ નવું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું નથી.માત્ર જૂના અને જર્જરિત ભાગોની મરામત થઈ રહી છે. તંત્ર દ્વારા નોટિસ અંગે કોઈ આખરી નિર્ણય ન લેવાય ત્યાં સુધી બંધ કરાયેલું પાણી કનેક્શન માનવતાના ધોરણે તાત્કાલિક પુનઃ શરૂ કરવું જોઈએ.

Exit mobile version