પશ્ચિમ એશિયાના તણાવને કારણે ભારતમાં ગેસની અછત મુદ્દે રાજ્યસભામાં હોબાળો
નવી દિલ્હી, 16 માર્ચ 2026: બજેટ સત્રના બીજા તબક્કામાં દેશમાં સર્જાયેલા એલપીજી (રાંધણ ગેસ) સંકટને મુદ્દે સંસદના બંને ગૃહોમાં ભારે હંગામો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગેસની અછત અને વધતા ભાવ મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આ તમામ આરોપોને નકારી કાઢતા વિપક્ષ પર જનતાને ઉશ્કેરવાનો અને સંકટ સમયે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. શૂન્યકાળ દરમિયાન સદનનું ધ્યાન દોરતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આજે આખા દેશમાં એલપીજીની ભારે અછત સર્જાઈ છે. ગરીબ, મધ્યમ વર્ગ અને હોટલ-રેસ્ટોરન્ટ માલિકો લાચાર બન્યા છે.
ખડગેએ વધુમાં ઉમેર્યું કે, “ભારત પોતાની જરૂરિયાતનો 60% ગેસ આયાત કરે છે, જેમાંથી 90 ટકા પુરવઠો ‘હોર્મુઝની સામુદ્રધુની’થઈને આવે છે. જ્યારે સરકારને ખબર હતી કે ત્યાં તણાવ વધી રહ્યો છે, ત્યારે અગાઉથી વ્યવસ્થા કેમ ન કરવામાં આવી? આજે સ્થિતિ એવી છે કે અનેક સ્થળોએ લોકોએ પોતાના વ્યવસાય બંધ કરવા પડ્યા છે અને કાળાબજારમાં એક સિલિન્ડરના રૂ. 5,000 સુધી વસૂલવામાં આવી રહ્યા છે.” તેમણે પીએમ મોદીના ઈઝરાયેલ પ્રવાસનો ઉલ્લેખ કરી સવાલ કર્યો કે શું ત્યારે તેમને આ સંકટનો અણસાર નહોતો આવ્યો?
ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ખડગેના ભાષણ વચ્ચે વાંધો ઉઠાવતા તેમને યાદ અપાવ્યું હતું કે આ પ્રશ્નકાળ અને શૂન્યકાળનો સમય છે. નડ્ડાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, “દુઃખની વાત છે કે વિપક્ષ દેશની વિપત્તિના સમયે પણ રાજનીતિ કરવામાંથી ઊંચો આવતો નથી. આ કટોકટી ભારતને કારણે નથી સર્જાઈ, પરંતુ વૈશ્વિક સ્થિતિ જવાબદાર છે.” નડ્ડાએ વધુમાં આક્ષેપ કર્યો કે કોંગ્રેસ જનતાને ઉશ્કેરીને દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે સરકારે તમામ સ્થિતિ પર નજર રાખી છે અને અફવાઓથી બચવાની જરૂર છે, પરંતુ વિપક્ષ સહકાર આપવાને બદલે દેશ વિરોધી વાતાવરણ બનાવી રહ્યો છે.
પેટ્રોલિયમ મંત્રીએ લોકસભામાં દાવો કર્યો હતો કે દેશમાં એલપીજીની કોઈ કમી નથી અને પુરવઠો જળવાઈ રહ્યો છે. જોકે, ખડગેએ આ દાવાને ખોટો ગણાવતા કહ્યું હતું કે જમીની હકીકત કંઈક અલગ જ છે. ઈરાનમાં ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરાઈ હતી, પરંતુ ઊર્જા સુરક્ષા માટે જરૂરી આગોતરા પગલાં લેવામાં સરકાર નિષ્ફળ રહી છે.


