- સોસાયટીના સ્થાનિક રહીશોએ મ્યુનિ.કોર્પોરેશનને કરી રજુઆત
- પાણીની લાઈનનો વાલ્વ તૂટી ગયો છતાં 20 દિવસથી રિપેર કરાતો નથી
- રહિશોને સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવવા પડે છે
સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણ શહેરના મૂળચંદ રોડ પર આવેલી ઉત્સવપાર્ક સોસાયટીમાં 20 દિવસથી પીવાનું પાણી ન મળતાં રહીશો રોષે ભરાયા હતા. સ્થાનિક રહીશોએ મ્યુનિ.કોર્પોરેશનની કચેરીએ ધસી જઇ રજૂઆત કરી હતી. છેલ્લા 20 દિવસથી પાણી મળતુ ન હોવાની અનેકવાર રજુઆતો કરી છે. કહેવાય છે કે, પાણીની પાઈપલાઈન પરનો વાલ્વ તૂટી જતા પાણી પુરવઠો બંધ થયો છે. મ્યુનિ.કોર્પોરેશનના તંત્રને વાલ્વ રિપેર કરવાની ફુરસદ મળતી નથી. બીજીબાજુ સોસાયટીના રહિશોને પોતાના ખર્ચે પાણીના ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે.
વઢવાણ શહેરના મૂળચંદ રોડ પર આવેલી ઉત્સવપાર્ક સોસાયટીના રહિશો ઘનશ્યામભાઇ ચાવડા, ગૌરીબેન, સોનલબેન, ઝાલા રીટાબા, મેટાળીયા બાબુભાઇ સહિતનાઓએ જણાવ્યું કે અમારા વિસ્તારમાં ભરઉનાળે 20 દિવસથી પાણી નથી જ્યારે તંત્રમાં પૂછતા વાલ્વમાં કચરો આવી ગયો હોવાનું અને તૂટી ગયો હોવાનું કહેવામાં આવે છે. પાણીની સમસ્યા અંગે વઢવાણની મ્યુનિસિપલ ઓફિસે મૌખિક રજૂઆત કરી હતી. પણ કોઇ જવાબ યોગ્ય મળતો નથી. અમારે ઉનાળાના આકરા દિવસો કાઢવા મોંઘા પડી રહ્યા છે પાણી ન મળતા નછૂટકે પાણીના ટાંકા મગાવી કામ ચલાવવું પડે છે. આ ઉપરાંત વિસ્તારમાં કોમન પ્લોટમાં પાણી ભરાઇ જવા, જેમાં ગંદકીની તથા રોગચાળાની સમસ્યા સહિતનું નિરાકરણ લાવવા માગ કરી હતી. જ્યારે પાણીની સમસ્યા દૂર કરવા મોટી પાણીની લાઇન નાંખવા માગ કરી હતી.