
ઉત્તરાખંડ: શપથ લીધા બાદ એક્શન મોડમાં જોવા મળ્યા સીએમ પુષ્કરસિંહ ધામી,પહેલી કેબિનેટની બેઠકમાં યુવાનોના હિતમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા
- ઉતરાખંડના સીએમ એક્શન મોડમાં
- મોડીરાત્રે યોજી કેબિનેટની પ્રથમ બેઠક
- યુવાનોના હિતમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો
દહેરાદૂન :પુષ્કરસિંહ ધામીએ રવિવારે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યના 11 મા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ ધામી એક્શન મોડમાં જોવા મળ્યા. શપથ લેતાંની સાથે જ ધામીએ મોડીરાત્રે કેબિનેટની પ્રથમ બેઠક લીધી અને યુવાનો અને બેરોજગારના હિતમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. આ માહિતી રાજ્ય સરકારના પ્રવક્તા સુબોધ ઉનિયાલે આપી હતી.
મળતી માહિતી મુજબ સચિવાલયમાં સીએમ ધામીની પહેલી બેઠકમાં 22 હજાર પદો પર સરકારી નોકરી આપવાના પ્રસ્તાવને મંજૂરી મળી હતી. આ દરખાસ્તની સાથે મુખ્યમંત્રી વતી લગભગ 20 હજાર પેટા કર્મચારીઓને સમાન કામ માટે સમાન પગાર આપવા સમિતિની પણ રચના કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી પદ માટે પાર્ટી હાઇકમાન્ડ દ્વારા નામની ઘોષણા થયા પછી જ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે, તેમના કાર્યકાળ દરમિયાન યુવાનો અને રોજગાર ક્ષેત્રે ઘણાં કામો કરવામાં આવશે. મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી સચિવાલયમાં યોજાયેલી પ્રથમ બેઠકના નિર્ણયોમાં, તેમણે પોતાનો હેતુ બતાવ્યો છે કે, સરકાર ભવિષ્યમાં બેરોજગાર અને રાજ્યના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
ધામીની અધ્યક્ષતામાં અહીં રાજ્ય સચિવાલયમાં મળેલી બેઠક બાદ કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલે જણાવ્યું હતું કે, યુવાનો અને બેરોજગારના હિતમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યની તાત્કાલિક જરૂરિયાતો અંગે પણ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનાથી રાજ્યને ફાયદો થશે.