વડોદરા, 7 સપ્ટેમ્બર, 2026 – 2001 થી 2014 ગુજરાતના મુખ્યમંત્રી તથા ૨૦૧૪ થી દેશના પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીને સેવા અને સમર્પણના અવિરત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્રીય ભાજપાની કાર્યયોજના હેઠળ તા. 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન ભાજપા દ્વારા રાષ્ટ્રવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના આયોજન અને વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અને પૂર્વતૈયારીના ભાગરૂપે રવિવારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વડોદરા મહાનગર ભાજપાની કાર્યશાળા યોજાઈ હતી.
વડોદરા મહાનગર ભાજપા કાર્યાલય ‘નમો કમલમ‘ ખાતે આયોજિત કાર્યશાળામાં સંબોધન કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની જાહેર જીવનની યાત્રા સેવા, સંકલ્પ અને રાષ્ટ્ર સમર્પણની પ્રેરણાદાયી ગાથા છે. સામાન્ય પરિવારમાંથી આવીને ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ દેશના વડાપ્રધાન તરીકે તેમણે પોતાની કાર્યશૈલી, નિર્ણાયક નેતૃત્વ અને જનકલ્યાણની નીતિઓથી ગુજરાત તેમજ દેશના વિકાસને નવી ગતિ અને નવી દિશા આપી છે. તેમના નેતૃત્વમાં દેશે વિકાસ, સુશાસન, ગરીબ કલ્યાણ, રાષ્ટ્રીય સુરક્ષા, માળખાકીય સુવિધાઓ અને આત્મનિર્ભરતાના ક્ષેત્રે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે.

શ્રી વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, ‘સેવા સંકલ્પ અભિયાન’ માત્ર કાર્યક્રમોની શ્રેણી નથી, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવાકીય જીવન અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને જનજન સુધી પહોંચાડવાનું અભિયાન છે. આ અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમોનું આયોજન મહાનગરના દરેક સ્તરે સુવ્યવસ્થિત અને અસરકારક રીતે થાય તે માટે તેમણે સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર દ્વારા જનહિતમાં કરવામાં આવેલા વિકાસકાર્યોની માહિતી અને લોકકલ્યાણની યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સૌને સંકલિત પ્રયાસ કરવા આહ્વાન કર્યું હતું.
વડોદરા મહાનગરની કાર્યશાળામાં રાજ્ય સરકારના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ભાજપા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. હેમાંગભાઈ જોશી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, શહેર ભાજપ પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, અભિયાનની પ્રદેશ ટીમના સભ્ય શ્રી કેયુરભાઈ રોકડીયા, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, નગરસેવકો અને અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


