
વારાણસી લોકસભા બેઠક: બીએસપી-એસપીને ક્યારેય મળી નથી જીત, પીએમ મોદીના આવવાથી બની છે હૉટ સીટ
લોકસભા ચૂંટણી 2024ની સૌથી હોટ સીટ વારાણસી છે. આ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પર અત્યાર સુધીમાં 17 ચૂંટણીઓ યોજાઈ છે. પરંતુ અત્યાર સુધી એકવાર પણ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને જીત મળી નથી. આ બેઠક પર સૌથી વધારે જીત ભાજપ અને કોંગ્રેસને મળી છે.
વારાણસી લોકસભા બેઠક પર 18.54 લાક વોટર છે. તેમાંથી 10.27 લાખ પુરુષ અને 8.29 લાખ મહિલા વોટર્સ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠક પરથી સતત બે વખત જીત્યા છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદી વારાણસીમાં 6.74 લાખ વોટ મેળવીને જીત્યા હતા.
વારાણસી બેઠક પર કોણ-કોણ ઉમેદવાર-
વારાણસી લોકસભા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવારને ઘોષિત કર્યા છે. ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ઉત્તરપ્રદેશમાં અપના દળ અને એસબીએસપી સાથે ગઠબંધન કર્યું છે. રાજ્યમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે. આ બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ છે અને કોંગ્રેસે વારાણસીથી અજય રાયને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે બીએસપીએ અહીંથી હજી સુધી ઉમેદવારનું એલાન કર્યું નથી.
પીએમ મોદીની સતત બે મોટી જીત –
વારાણસી બેઠક પરથી 2019માં વડપ્રધાન નરેન્દ્ર મોદી 6 લાખ 74 હજાર 664 વોટ મેળવીને જીત્યા હતા. ભાજપના ઉમેદવારને 63.9 ટકા વોટ પ્રાપ્ત થયા હતા. બીજા ક્રમાંકે સમાજવાદી પાર્ટીના શિલિની યાદવ 1 લાખ 95 હજાર 1 હજાર 159 વોટ એટલે કે 18.5 ટકા વોટ મળ્યા હતા.
2014ની લોકસભા ચૂંટણીમાં વારાણસી બેઠક પર વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીએ પહેલીવાર અહીંથી ચૂંટણી લડી હતી. ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીને 2014માં વારાણસીથી 5 લાખ 81 હજાર 22 વોટ મળ્યા હતા. જ્યારે બીજા ક્રમાંકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ કેજરીવાલને 2 લાખ 9 હજાર 238 વોટ મળ્યા હતા. આ પ્રકારે 2014માં પીએમ મોદીએ 3 લાખ 71 હજાર 784 વોટથી ચૂંટણી જીતી હતી.
17 લોકસભા ચૂંટણીમાં કઈ પાર્ટીને મળી બઢત-
વારાણસીમાં 17 વખત યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં 7 વખત કોંગ્રેસ અને 7 વખત ભાજપને જીત મળી છે. તો સીપીએમ અને જનતાદળને એક-એકવાર જીત મળી હતી. જ્યારે વારાણસીથી એકવાર ભારતીય લોકદળના ઉમેદવારને પણ જીત મળી છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું આ બેઠક પર અત્યાર સુધીમાં ખાતું પણ ખુલ્યું નથી. આ બંને પાર્ટીઓના ઉમેદવારો ક્યારેય પણ આ બેઠક પર જીતી શક્યા નથી.
વારાણસી લોકસભા બેઠકના આંકડા-
વારાણસી લોકસભા બેઠક મતવિસ્તાર હેઠળ 5 વિધાનસભા મતક્ષેત્ર આવે છે. તેમાં રોહનિયા, વારાણસી ઉત્તર, વારાણસી દક્ષિણ, વારાણસી કેન્ટ અને સેવાપુરી સામેલ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તમામ વિધાનસભા બેઠકો પર એનડીએને જીત મળી હતી. 5 બેઠકો પર ભાજપ અને એક બેઠક પર અપનાદળના ઉમેદવારને જીત મળી છે.
રોહનિયાથી અપનાદળના સુનીલ પટેલ, વારાણસી ઉત્તરથી ભાજપના રવિન્દ્ર જયસ્વાલ, વારાણસી દક્ષિણથી ભાજપના નીલકંઠ તિવારી, વારાણસી કેન્ટથી ભાજપના સૌરભ શ્રીવાસ્તવ અને સેવાપુરીથી ભાજપના નીલરતનસિંહ પટેલને જીત મળી હતી.
વારાણસી લોકસભા બેઠકનો ઈતિહાસ-
1951-52માં જ્યારે પહેલીવાર દેશમાં લોકસભાની ચૂંટણી થઈ હતી, ત્યારે વારાણસીમાં ત્રણ લોકસભા બેઠકો હતી. તે બેઠકોમાં બનારસ મધ્ય, બનારસ પૂર્વ અને બનારસ-મિર્ઝાપુર બેઠક હતી. 1952ની લોકસભા ચૂંટણીમાં આ વિસ્તારમાંથી રઘુનાથસિંહ અને ત્રિભુવન નારાયણ સિંહને જીત મળી હતી. 1957 અને 1962ની લોકસભા ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં વારાણસી બેઠક પરથી કોંગ્રેસ નેતા રઘુનાથસિંહ સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1967માં સીપીએમના સત્યનારાયણસિંહ અને 1971માં કોંગ્રેસના નેતા રાજારામ શાસ્ત્રી સાંસદ બન્યા હતા.
1977માં કોંગ્રેસ વિરોધી લહેરમાં આ બેઠક પરથી જનતાદળના ઉમેદવાર ચંદ્રશેખરને જીત મળી હતી. 1980માં લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસના કમલાપતિ ત્રિપાઠીને જીત મળી હતી. પરંતુ 1984માં કોંગ્રેસના ઉમેદવાર બદલાયા અને શ્યામલાલ યાદવને ઉમેદવાર બનાવ્યા. શ્યામલાલ યાદવ સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1989માં પૂર્વ પીએમ લાલબહાદૂર શાસ્ત્રીના પુત્ર અનિલ શાસ્ત્રીને જનતાદળે મેદાનમાં ઉતાર્યા હતા અને તેમને જીત મળી હતી.
1991માં ભાજપના શિરીષચંદ્ર દિક્ષિતે જીત મેળવી હતી. તેના પછી સતત ત્રણ ચૂંટણી 1996, 1998 અને 1999માં ભાજપના શંકરપ્રસાદ જયસ્વાલ સાંસદ બન્યા હતા. 2004માં કોંગ્રેસના રાજેશ મિશ્રાને જીત મળી હતી અને 2009માં ભાજપના મુરલી મનોહર જોશીને જીત મળી હતી. 2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું છે.
વારાણસી બેઠકનું જાતિ સમીકરણ-
વારાણસી લોકસભા બેઠક પર બ્રાહ્મણ, ભૂમિહાર, વૈશ્ય, કુર્મી વોટર્સ ઘણી મોટી સંખ્યામાં છે. મુસ્લિમ મતદાતાઓની પણ ઘણી મોટી સંખ્યા છે.
એક અનુમાન મુજબ, વારાણસીમાં 3 લાખ બ્રાહ્મણ અને 3 લાખ મુસ્લિમ વોટર્સ છે. આ સિવાય 3 લાખ બિનયાદવ ઓબીસી વોટર છે. જ્યારે 2 લાખથી વધારે કુર્મી વોટર છે. આ બેઠક પર 2 લાખ વૈશ્ય વોટર સિવાય 1.5 લાખ ભૂમિહાર વોટર છે. આ બેઠક પર એક લાખ યાદવ અને એક લાખ અનુસૂચિત જાતિઓના વોટર્સ છે.