
આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને 1-1 કરોડની સહાય આપવા વરૂણ ગાંધીએ PMને કરી રજૂઆત
દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાને લઈને એક વર્ષથી વધારે સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદા પાછા ખેંચવાની જાહેરાત કર્યાં બાદ ખેડૂતોને આંદોલન પૂર્ણ કરીને ઘરે જવા અપીલ કરી હતી. દરમિયાન ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમજ મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP)ને લગતો કાયદો બનાવવાની સાથે આંદોલન દરમિયાન મૃત્યુ પામનાર ખેડૂતોને એક-એક કરોડની સહાય કરવાની માંગણી સાથે રજૂઆત કરી છે.
ભાજપના સાંસદ વરુણ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને કહ્યું છે કે, MSP પર પણ નિર્ણય લેવાવો જોઈએ .જેથી ખેડૂતો આંદોલન સમાપ્ત કરીને ઘરે પાછા ફરે. આ આંદોલનમાં અત્યાર સુધી 700 ખેડૂતોના મોત થયા છે. આવા ખેડૂતોના પરિવારજનોને એક-એક કરોડની સહાય ચુકવવો જોઈએ. તેમજ લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોને ન્યાય અપાવવા માટે સરકારે કાર્યવાહી કરવી જોઈએ.
ખેડૂતોને MSP નહીં આપવામાં આવે તો તેમનો અસંતોષ યથાવત રહેશે અને તે કોઈને કોઈ રીતે સામે આવતો રહેશે. ખેડૂતો પર થયેલા કેસ પણ પાછા લેવા જોઈએ.લખીમપુર ખીરીની ઘટનામાં પણ પીડિતોને યોગ્ય ન્યાય મળે તે માટે પીએમ મોદી કાર્યવાહી કરશે તેવી આશા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદો પરત લેવાની જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. જો કે, ખેડૂતોએ મિનિમમ સપોર્ટ પ્રાઈસને લઈને સરકાર પાસે માંગણી કરી છે. બીજી તરફ રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ સરકાર સામે આક્ષેપ કર્યો હતો.