Site icon Revoi.in

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિનો પદવીદાન સમારોહ 26મી ફેબ્રુઆરીએ યોજાશે

Social Share

સુરત, 23 ફેબ્રુઆરી 2026: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 26 ફેબ્રુઆરી 2026 ના રોજ યુનિવર્સિટીનો 58મો પદવીદાન સમારોહ યોજાશે. આ પદવીદાન સમારોહ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કેમ્પસમાં પદવીધારકોના સ્વાગત માટે વિશેષ વ્યવસ્થાઓ અને પ્રોટોકોલ મુજબના આયોજનોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પદવીદાન સમારોહમાં 32 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને જ મેડલ એનાયત કરાશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 58માં દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક વિવિધતાનો સંગમ જોવા મળશે. યુનિવર્સિટીની કુલ 12 ફેકલ્ટી અને 99 જેટલા વિવિધ કોર્સના કુલ 8725 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આમાં આર્ટસ, સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ, એજ્યુકેશન, મેનેજમેન્ટ, રૂરલ સ્ટડીઝ અને આર્કિટેક્ચર જેવી વિદ્યાશાખાઓના તેજસ્વી વિદ્યાર્થીઓ સામેલ છે. લાંબા સમય પછી યોજાઈ રહેલા આ સમારોહને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે. કુલ 8725 વિદ્યાર્થીઓમાંથી એકલા કોમર્સ ફેકલ્ટીના જ 3407 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે દક્ષિણ ગુજરાતના યુવાનોમાં હજુ પણ કોમર્સ અને પ્રોફેશનલ એકાઉન્ટિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો ક્રેઝ યથાવત છે. આ વખતના પદવીદાન સમારોહની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે યુનિવર્સિટીએ ‘ક્વોલિટી’ પર વધુ ભાર મૂક્યો છે. અગાઉના 57માં પદવીદાન સમારોહમાં જ્યાં 95 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા, ત્યાં આ વખતે માત્ર 32 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને જ મેડલ એનાયત કરવાનો નિર્ણય લેવાયો છે.માત્ર સ્નાતક અને અનુસ્નાતક જ નહીં, પરંતુ સંશોધન ક્ષેત્રે પણ યુનિવર્સિટીએ પોતાની મજબૂત પકડ દર્શાવી છે. આ સમારોહમાં 151 જેટલા Ph.D. અને M.Phil.ના રિસર્ચ સ્કોલર્સને વિશેષ રીતે પદવી આપી સન્માનિત કરવામાં આવશે.

આ ભવ્ય સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિ પ્રસ્તાવિત છે, જે કાર્યક્રમની ગરિમામાં વધારો કરશે. યુનિવર્સિટીના કન્વોકેશન હોલ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં શિસ્ત અને મર્યાદા જળવાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. આ સમારોહ માત્ર ડિગ્રી એનાયત કરવાનો પ્રસંગ નથી, પરંતુ હજારો યુવાનો માટે તેમના શૈક્ષણિક જીવનના નવા સોપાનની શરૂઆત છે.

Exit mobile version