સુરત, 13 મે 2026 : Appeals to students and staff to use public transport વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કરી છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જારી કરીને આયાતી ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પર્સનલ વાહનોનો ઉપયોગ મર્યાદિત કરવા અનુરોધ કરાયો છે. તેના બદલે જાહેર પરિવહન , કાર-પૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના મહત્તમ ઉપયોગની હિમાયત કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી પરિવહન ખર્ચ અને ઈંધણના વપરાશમાં ઘટાડો થશે.
વડાપ્રધાનની “રાષ્ટ્ર પ્રથમ, સુવિધા કરતાં કર્તવ્ય મહાન” ની અપીલને લઈને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક ભવનો, વહીવટી કર્મચારીઓ અને સંલગ્ન કોલેજોના આચાર્યોને 7 મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના અપાઈ છે. પરિપત્ર મુજબ, આયાતી ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પર્સનલ વાહનોનો ઉપયોગ મર્યાદિત કરવા અનુરોધ કરાયો છે. તેના બદલે જાહેર પરિવહન , કાર-પૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના મહત્તમ ઉપયોગની હિમાયત કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી પરિવહન ખર્ચ અને ઈંધણના વપરાશમાં ઘટાડો થશે.
આ ઉપરાંત સમય અને સંસાધનોની બચત માટે યુનિવર્સિટીએ વહીવટી અને સંશોધન પરામર્શમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા આદેશ આપ્યો છે. જ્યાં પણ શક્ય હોય ત્યાં રૂબરૂ મીટિંગ કરવાના બદલે ઓનલાઈન અથવા વર્ચ્યુઅલ મિટિંગ્સ યોજવા માટે આગ્રહ રાખવામાં આવ્યો છે. આ પગલાથી વહીવટી પ્રક્રિયાઓમાં ઝડપ આવશે અને મુસાફરીનો સમય બચશે. તેમજ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે “વોકલ ફોર લોકલ” ના મંત્રને આત્મસાત કરવાની વાત પરિપત્રમાં કહેવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ કેમ્પસમાં તેમજ વ્યક્તિગત જીવનમાં વિદેશી ચીજવસ્તુઓના સ્થાને સ્થાનિક બનાવટની વસ્તુઓની ખરીદીને પ્રાધાન્ય આપવું પડશે. આનાથી સ્થાનિક અર્થતંત્રને ટેકો મળશે.

