નવા સંશોધન મુજબ, હૃદય રોગનું જોખમ માપવા માટે બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ) કરતાં કમર અને ઊંચાઈનો ગુણોત્તર વધુ ભરોસાપાત્ર છે. આ ગુણોત્તર (0.5 થી વધુ હોય તો) પેટની આસપાસ જમા થતી ચરબીને વધુ સારી રીતે દર્શાવે છે, જે સામાન્ય વજનવાળા લોકોમાં પણ જોખમની ઓળખ માટે સરળ સ્ક્રીનિંગ ટૂલ બની શકે છે. હૃદય રોગ આજે દુનિયાભરમાં સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે. ઘણા લોકો તેને માત્ર મેદસ્વીતા, હાઈ કોલેસ્ટ્રોલ કે હાઈ બ્લડ પ્રેશર સાથે જોડે છે, પરંતુ એક નવા સંશોધનમાં સામે આવ્યું છે કે આ રીતો હંમેશા સાચી હોતી નથી.
ઘણા લોકો જેમનું વજન સામાન્ય કે માત્ર સહેજ વધારે હોય છે, તેમને આ જોખમ દેખાતું નથી. આવા લોકોમાં હૃદય રોગનું જોખમ ત્યારે પણ હાજર હોઈ શકે છે, જ્યારે તેમનો બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ) સામાન્ય સીમાની અંદર હોય. ‘ધ લેન્સેટ રિજનલ હેલ્થ-અમેરિકાઝ’માં પ્રકાશિત થયેલા અભ્યાસમાં સંશોધકોએ શોધી કાઢ્યું છે કે કમરનું માપ અને ઊંચાઈનો ગુણોત્તર , હૃદય રોગનું જોખમ ઓળખવા માટે સૌથી ભરોસાપાત્ર માર્ગ હોઈ શકે છે. સંશોધકોનું કહેવું છે કે આ શોધ પછી ડોક્ટર અને સામાન્ય લોકો હૃદય રોગનું જોખમ સમજવાની નવી રીતો અપનાવી શકે છે. આ ખાસ કરીને એવા લોકો માટે મહત્ત્વપૂર્ણ છે જેઓ બીએમઆઈ મુજબ મેદસ્વીતાની શ્રેણીમાં આવતા નથી, પરંતુ તેમ છતાં જોખમમાં હોઈ શકે છે.
અમેરિકાની પિટ્સબર્ગ યુનિવર્સિટીના મુખ્ય લેખક થિયાગો બોસ્કો મેન્ડેસએ કહ્યું, “પ્રારંભિક વિશ્લેષણમાં બીએમઆઈ, કમરનું માપ અને ઊંચાઈનો ગુણોત્તર તમામ હૃદય રોગના ભાવિ જોખમ સાથે જોડાયેલા દેખાયા. પરંતુ જ્યારે ઉંમર, લિંગ, ધૂમ્રપાન, કસરત, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવા અન્ય સામાન્ય જોખમી પરિબળોને ધ્યાનમાં રાખ્યા, તો માત્ર વેસ્ટ-ટુ-હાઈટનો ગુણોત્તર જ આગાહી કરનારો મહત્ત્વપૂર્ણ માપબનીને સામે આવ્યો.” સંશોધનમાં 2,721 એવા પુખ્ત વયના લોકોનો ડેટા સામેલ કરવામાં આવ્યો, જેમને કોઈ હૃદય રોગ નહોતો. આ લોકોને પાંચ વર્ષથી વધુ સમય સુધી ટ્રેક કરવામાં આવ્યા જેથી જોઈ શકાય કે કયું માપ હૃદય રોગના જોખમની સાચી ઓળખ કરે છે. પરિણામોથી જાણવા મળ્યું કે આ રીત ખાસ કરીને એવા લોકોમાં કામ કરે છે જેનો બીએમઆઈ 30થી ઓછો છે. આવા લોકો ઘણીવાર પોતાને મેદસ્વીતા કે હૃદય રોગના જોખમમાં સમજતા નથી, પરંતુ વેસ્ટ-ટુ-હાઈટનો ગુણોત્તર તેમને સાચી ચેતવણી આપી શકે છે.
બીએમઆઈ માત્ર વજન અને ઊંચાઈના આધારે ગણતરી કરે છે અને તે જણાવતો નથી કે શરીરમાં ચરબી ક્યાં જમા થઈ છે. પેટની આસપાસ જમા થયેલી ચરબી, જેને સેન્ટ્રલ ઓબેસિટી કહેવાય છે, તે હૃદય રોગ સાથે સીધી રીતે જોડાયેલી છે. વેસ્ટ-ટુ-હાઈટનો ગુણોત્તર આ સેન્ટ્રલ ફેટ દર્શાવે છે અને તેથી તે હૃદય રોગનો વધુ સારો સૂચક માનવામાં આવે છે. અભ્યાસમાં એ પણ સામે આવ્યું કે જે લોકોનો બીએમઆઈ 30થી ઓછો હતો, પરંતુ તેમનો વેસ્ટ-ટુ-હાઈટનો ગુણોત્તર 0.5થી વધારે હતો, તેમને ભવિષ્યમાં કોરોનરી આર્ટરી કેલ્સિફિકેશન એટલે કે હૃદયની ધમનીઓમાં કેલ્શિયમ જમા થવાનું જોખમ વધુ હતું. આ હૃદય રોગનું એક મુખ્ય સૂચક છે.
પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં મેડિસિનના એસોસિયેટ પ્રોફેસર અને વરિષ્ઠ લેખક પ્રો. માર્સિયો બિટ્ટનકોર્ટએ કહ્યું, “વેસ્ટ-ટુ-હાઈટના ગુણોત્તરનો ઉપયોગ એક સરળ અને પ્રભાવશાળી સ્ક્રીનિંગ ટૂલ તરીકે કરી શકાય છે. એટલે કે જે દર્દીઓના અન્ય પેરામીટર જેવા કે વજન, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ સામાન્ય દેખાય છે, તેમના હૃદય રોગનું જોખમ પણ ઓળખી શકાય છે. આ રીતે સમયસર ઓળખ અને સારવાર શક્ય છે, જેનાથી ગંભીર રોગો અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય છે.”

