1. Home
  2. ગુજરાતી
  3. ઈરાનમાં રણસંગ્રામ: 30 કલાકમાં 2000 બોમ્બ ઝીંકાયા, 742ના મોત
ઈરાનમાં રણસંગ્રામ: 30 કલાકમાં 2000 બોમ્બ ઝીંકાયા, 742ના મોત

ઈરાનમાં રણસંગ્રામ: 30 કલાકમાં 2000 બોમ્બ ઝીંકાયા, 742ના મોત

0
Social Share

જેરૂસલેમ, 3 માર્ચ 2026: સર્વોચ્ચ નેતા ખામેનેઈના નિધન બાદ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ હવે પૂર્ણ કક્ષાના યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. ઈરાન દ્વારા ઈઝરાયેલ અને ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય બેઝ પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. જેના જવાબમાં ઈઝરાયેલ અને સાથી દેશોએ ઈરાન પર અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો કર્યો છે. યુદ્ધના પ્રારંભિક 30 કલાકમાં જ ઈરાન પર 2,000થી વધુ બોમ્બ વર્ષાવવામાં આવ્યા છે.

અહેવાલો મુજબ, ઈઝરાયેલી વાયુસેનાએ ઈરાનના એક હજારથી વધુ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ ભીષણ હુમલાઓમાં ઈરાનમાં અત્યાર સુધીમાં 742 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઈરાન હાલ નેતૃત્વના સંકટ અને વિદેશી આક્રમણ વચ્ચે બેવડી મુસીબતમાં ફસાયેલું જોવા મળી રહ્યું છે. આ લોહિયાળ જંગ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકી ન્યૂઝ ચેનલ ‘ફોક્સ ન્યૂઝ’ને આપેલા ઈન્ટરવ્યુમાં યુદ્ધની રણનીતિ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, “ઈરાન સામેની આ સૈન્ય કાર્યવાહી ઝડપી અને નિર્ણાયક હશે. ઈઝરાયેલ આ સંઘર્ષને વર્ષો સુધી ચાલનારા યુદ્ધમાં બદલવા માંગતું નથી.”

નેતન્યાહૂએ ભારપૂર્વક કહ્યું કે, આ અભિયાનનો હેતુ પ્રાદેશિક સ્થિરતા અને શાંતિ સ્થાપિત કરવાનો છે. આ હુમલાઓ બાદ અન્ય આરબ દેશો સાથે ઈઝરાયેલના સંબંધો સામાન્ય બનાવવાનો માર્ગ મોકળો થશે. સત્તા પરિવર્તનની જવાબદારી ઈરાનની જનતાની છે, પરંતુ અમેરિકા અને ઈઝરાયેલ મળીને તેના માટે અનુકૂળ સંજોગો પેદા કરી રહ્યા છે.

ઈઝરાયેલનો દાવો છે કે આ સૈન્ય અભિયાન મર્યાદિત સમય માટે ચાલશે. નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે તેઓ ઈરાન સાથે લાંબા સમય સુધી ગૂંચવાયેલા રહેવા માંગતા નથી, પરંતુ ઈરાન તરફથી થતા જોખમોને કાયમી ધોરણે ખતમ કરવા તે અનિવાર્ય છે. ઈઝરાયેલના આ નિવેદનથી સંકેત મળે છે કે તેઓ ટૂંક સમયમાં મોટો વિજય મેળવી યુદ્ધ વિરામ તરફ આગળ વધી શકે છે.

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સેના વચ્ચે ભારે જંગ, તણાવ ચરમસીમાએ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code