જુઓ વીડિયોઃ વડગામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ખભે ઊંચકી લીધા
- નાયબ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના વડગામ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું કર્યું લોકાર્પણ
- ૨૦ હજાર પુસ્તકોની ક્ષમતા સાથે ૧૬૯ બેઠક ક્ષમતાવાળી લાઇબ્રેરીમાં કોન્ફરન્સ રૂમ સહિત મહિલાઓ- બાળકો- વરિષ્ઠ નાગરિકો માટે અલગ સુવિધાઓ ઊભી કરાઈ
પાલનપુર, 4 ડિસેમ્બર, 2025ઃ Deputy Chief Minister Harsh Sanghvi નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ લાઇબ્રેરી ખાતે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરીને ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા સહિતની તૈયારીઓ કરી શકે તે માટે તમામ સુવિધાઓ ઊભી કરવા કટિબધ્ધ છે. સરકાર વડગામ વિસ્તારના લોકોની પડખે ઊભી છે. વડગામનો વિકાસ કરવા માટે સરકાર સતત કામ કરી રહી છે. આ લાઇબ્રેરી થકી અહીંના સ્થાનિક યુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધશે અને પોતાના પરિવારનું નામ રોશન કરશે તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી શકે તે હેતુસર સરકાર દ્વારા વડગામ ખાતે ૬૯૮.૦૫ ચો.મી.જમીન પર અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી કાર્યરત કરાઈ છે. આ લાઇબ્રેરી ખાતે કુલ ૧૬૯ વિદ્યાર્થીઓને બેસવાના ક્ષમતાવાળી G+૧ ઈમારત, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકો માટે અલગ- અલગ જગ્યાઓ, કોન્ફરન્સ રૂમ તથા ૨૦ હજાર જેટલા પુસ્તકો રાખવાની ક્ષમતા સહિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.
નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ પામનાર આ લાઇબ્રેરી થકી વડગામ આજુબાજુના વિસ્તારના વિધાર્થીઓ માટે ઘર આંગણે સુવિધા મળી રહેશે.શિક્ષણ ક્ષેત્રની આ સુવિધા થકી યુવાનોની પ્રતિભાને નવી દિશા અને ગતિ મળશે તથા નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી યુવાનોની ક્ષમતા નિખરશે અને ઊંચી ઉડાન મળી રહેશે.
નાયબ મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમ વખતે રમત ગમત રાજ્ય મંત્રી જયરામ ગામીત, વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં વડગામ વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


