ભરૂચ, 8 જુન 2026 : Water tank collapses જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકીનું સમારકામ ચાલી રહ્યું હતું,તે દરમિયાન અચાનક પાણીની ટાંકી ધડાકા સાથે ધરાશાયી થતા અફરા-તફરી મચી ગઈ હતી. ટાંકીનો કાટમાળ આજુબાજુના મકાન પર પડતાં નુકસાન થયું હતું. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહત અનુભવી હતી.
આ બનાવની વિગત એવી છે કે, ભરૂચના અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ સ્થિત આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા 30 વર્ષ જૂની પાણીની ટાંકીનું સમારકામ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન અચાનક જ જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થઈ જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટાંકી ધરાશાયી થતાં તેનો કાટમાળ નજીક આવેલા એક મકાનો પર પડ્યો હતો. જેના કારણે મકાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના સમયે આસપાસ લોકોની અવરજવર હોવા છતાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો
આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને જવાબદાર અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક સ્થાનિક રહીશે આક્ષેપ કર્યો કે, સમસ્યાના નિરાકરણ કરતા નેતાઓ માત્ર ફોટો સેશન કરવા આવે છે. ગામમાં વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો સરકારી કચેરીઓ ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ અંગે ભડકોદ્રા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રંજનબેન વસાવાએ જણાવ્યું કે, વર્ષ 2023માં સોસાયટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થળ નિરીક્ષણ દરમિયાન ટાંકી જર્જરિત હોવાનું સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, બિલ્ડર દ્વારા નિર્માણ કરાયેલી આ ટાંકીના સ્થાને 14મા નાણાપંચ અંતર્ગત નવી ટાંકી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સોસાયટીના રહીશોને પાણીની તકલીફ ન પડે તેવા માટે હાલ પાણી પુરવઠા બોર્ડની લાઈન સાથે જોડાણ કરી પાણી પૂરું પાડવામાં આવશે અને જરૂર જણાય તો પંચાયત દ્વારા ટેન્કર મારફતે પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.

