1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતનું વિકાસ-ચક્ર થંભે એ પોસાય નહીઃ નીતિન પટેલ
ગુજરાતનું વિકાસ-ચક્ર થંભે એ પોસાય નહીઃ નીતિન પટેલ

ગુજરાતનું વિકાસ-ચક્ર થંભે એ પોસાય નહીઃ નીતિન પટેલ

0
Social Share

અમદાવાદઃ કોરોના સંક્રમણના ઘટાડાના પગલે ગુજરાત રાજ્યમાં જનજીવન પુન ધબકતું કરવાની નેમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વ્યક્ત કરી હતી. બોટાદ નગરપાલિકાના નાનાજી દેશમુખ હોલ ખાતે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લાની સમીક્ષા બેઠકમાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં આપણે કોરોનાની બીજી લહેરને સફળતાપૂર્વક પાર કરી છે અને હવે રાજ્યમાં ખેતી, ઉદ્યોગ-ધંધા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં તબક્કાવાર છુટછાટ આપી જનજીવનને પૂર્વવત કરવામાં આવશે. ગુજરાતનું વિકાસ-ચક્ર થંભે એ કોઈ રીતે આપણને પોસાય નહીં.

તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે બોટાદને મેડિકલ કોલેજને મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જ તે અંગેની કામગીરી શરુ થશે, જેના પરિણામે ગુજરાતના આરોગ્યક્ષેત્રના નકશા પર બોટાદ જિલ્લો પણ સ્થાન પામશે. રાજકોટ અને ભાવનગરની જેમ બોટાદ પણ તેની આરોગ્યસેવાના કારણે સૌરાષ્ટ્રમાં મહત્વનું કેન્દ્ર બની રહેશે.  રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નિર્માણાધીન રસ્તાની ગુણવત્તા સાથે બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.  ભૂતકાળમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં ટ્રેન અને ટેન્કરથી પાણી પહોંચાડવું પડે તેવી સ્થિતિ હતી, જ્યારે આજે નર્મદા, સુજલામ-સુફલામ, સૌની અને અન્ય સિંચાઈ યોજનાની મદદથી ગામે-ગામ તળાવો ભરવામાં આવ્યા છે અને ખેડૂતોને સિંચાઈ માટેની સુવિધા ઉપ્લબ્ધ બનાવવામાં આવી છે, જેના કારણે ગુજરાતમાં ખેતીમાં વિક્રમજનક ઉત્પાદન થઈ રહ્યું છે.

નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાનો અસરકારક અમલ થાય તે માટે સૌએ ગંભીરતાથી કાર્ય કરવું જોઈએ. તેમણે સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ જિલ્લા-તાલુકા સ્તરે જ આવે તેવો અભિગમ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code