
પ.બંગાળઃ બાંગ્લાદેશ બોર્ડર ઉપર BSF અને ગૌ તસ્કરો વચ્ચે અથડામણ, બે બાંગ્લાદેશી સહિત 3ના મોત
દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં કુચ વિહારમાં આજે શુક્રવારે બીએસએફ અને ગૌ તસ્કરો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે બાંગ્લાદેશી નાગરિક સહિત 3 વ્યક્તિઓના મોત થયાં હતા. આ ઉપરાંત બીએસએફનો એક જવાન ઘાયલ થયો હતો. આ અથડામણ કુચ વિહારના સિતાઈ વિસ્તારમાં બની હતી. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા બીએસએફનો અધિકાર ક્ષેત્ર વધારવામાં આવ્યો છે જેથી આવી ઘટનાઓ બને છે.
સુત્રોના જણાવ્યા અનુસાર બીએસએફને સરહદ પાસે ગૌ તસ્કરીની માહિતી મળી હતી. બાંગ્લાદેશી તસ્કરોએ ભારતીય સીમામાં પ્રવેશ કર્યો હતો અને અહીંથી તેઓ ગૌવંશની તસ્કરી કરતા હતા. આ શખ્સોએ ગૌવંશની તસ્કરી માટે વાંસના બ્રેકટ તૈયાર કર્યાં હતા. જ્યારે બીએસએફની નજર તેમની ઉપર પડી તો તેમને પરત જવાની સુચાના આપવામાં આવી હતી. પરંતુ તસ્કરોએ જવાનોની વાત માની ન હતી અને તેમની ઉપર હુમલો કર્યો હતો. જેથી બીએસએફ દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવતા ત્રણેક તસ્કરને ઠાર માર્યાં હતા.
સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, તસ્કરોએ કરેલા હુમલામાં બીએસએફનો એક જવાન પણ ઘાયલ થયો હતો. તસ્કરોએ બીએસએફના જવાનો ઉપર લોખંડના સળિયા અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેથી ભારતીય જવાનોએ પોતાનો જીવ બચાવવા ફાયરિંગ કર્યું હતું. એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા ત્રણ તસ્કરો પૈકી બે બાંગ્લાદેશના એક પશ્ચિમ બંગાળનો હોવાનું મનાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બાંગ્લાદેશ સરહદ ઉપર ઘુસણખોરીને અટકાવવા માટે સુરક્ષા જવાનો દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.